'હું હારી, કુસ્તી જીતી...', ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થતાં ભાંગી પડી વિનેશ, નિવૃત્તિનું કર્યું એલાન
Vinesh Phogat News | પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વૉલિફાય થતાં જ વિનેશ ફોગાટની સાથે આખા ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું. તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે તેણે કુસ્તીને જ અલવિદા કરવાની જાહેરાત કરી દીધી.
સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે મા કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ, મને માફ કરજે, તારું સપનું મારી હિમ્મત બધું તૂટી ગયું છે. હવે મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુસ્તી 2001-2024. વિનેશે માફી માગતા કહ્યું કે હું આપ સૌની હંમેશા આભારી રહીશ.
હારી નથી, હરાવાઈ
વિનેશ ફોગાટે સેમિફાઇનલ મેચમાં તેની હરીફને 5-0ના અંતરથી હરાવી હતી અને તે ઓલિમ્પિક ફાઇનલ માટે ક્વૉલિફાઇ કરનારા પ્રથમ ભારતીય મહિલા પહેલાવાન બની હતી. વિનેશની નિવૃત્તિની જાહેરાત બાદ પહેલવાન બજરંગ પુનિયાની પ્રતિક્રિયા આવી હતી. તેણે કહ્યું કે વિનેશ તું હારી નથી. તમે હંમેશા અમારા માટે વિજેતા રહેશો. તમે ભારતની દીકરીની સાથે સાથે ભારતનું અભિમાન પણ છો.