રેસલિંગમાંથી નિવૃતિ લીધી પણ કોઈપણ મહિલા એથલિટ માટે વિનેશ ફોગાટનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય
Vinesh Phogat Records: ભારત માટે ઓલિમ્પિક 2024માં ગોલ્ડની આશા જગાડનાર વિનેશ ફોગાટનું અને સમગ્ર દેશનું સપનું રોળાયું છે. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ કરવામાં આવ્યા બાદ હવે ફોગાટના એક અંગત નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે ભલે આ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ન હોય, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં ઘણા મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા છે અને દરેક ભારતીયના દિલોમાં એક અલગ સ્થાન મેળવ્યું છે તેથી જ છેલ્લા 24 કલાકથી ચારે કોર એક જ શબ્દ વિનેશ માટે બોલાઈ રહ્યો છે – ‘ખૂબ લડી મર્દાની’
સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ :
સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં વિનેશ ફોગાટે કહ્યું કે, “માં હું હારી ગઇ, કુશ્તી જીતી ગઇ; મને માફ કરજે, તારું સપનું, મારી હિમ્મત બધુ તૂટી ગયું છે. હવે મારામાં આનાથી વધારે તાકાત રહી નથી. અલવિદા કુશ્તી 2001-2024. તમારા બધાની હંમેશા ઋણી રહીશ. માફ કરજો.”
વિનેશના નામે આ અદ્દભુત રેકોર્ડ :
વિનેશ ફોગાટે ભલે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હોય પરંતુ તેના નામે એક રેકોર્ડ છે, જે કોઈપણ મહિલા માટે આસાન નહીં હોય. વિનેશે સતત ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. તે સતત ત્રણ ઓલિમ્પિક રમનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે.
વિનેશ રિયો, ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકનો ભાગ રહી ચૂકી છે. જોકે દુખની વાત એ છે કે તેને એકેય ઓલિમ્પિકમાં મેડલ મળ્યો નથી. રિયો ઓલિમ્પિક દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તેણે મેચ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.
Paris Olympics 2024માં કુશ્તીની ફાઈનલ મેચ પહેલાં જ 100 ગ્રામ જેટલું વજન વધુ હોવાને કારણે ડિસ્ક્વૉલિફાઈ થતાં જ વિનેશ ફોગાટની સાથે આખા ભારતનું મેડલનું સપનું રોળાઈ ગયું હતું. તેનાથી વિનેશ એટલી હદે ભાંગી પડી કે તેણે કુશ્તીને જ અલવિદા કરવાની જાહેરાત કરી દીધી. સોશિયલ મીડિયા પર એક ભાવુક… pic.twitter.com/2T6Lhm3L24
— Gujarat Samachar (@gujratsamachar) August 8, 2024
ભલે વિનેશને ઓલિમ્પિકમાં કોઈ મેડલ ન મળ્યો હોય પરંતુ તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી ઈવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશે 2014, 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા હતા અને દેશનું ગૌરવ વધાર્યું હતુ.
વિનેશ ફોગટ 2018માં એશિયન ચેમ્પિયન પણ બની હતી. તેણે 50 કિલો ગ્રામના ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખત 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 2019 અને 2022માં ફોગાટે આ મેડલ જીત્યા હતા. લેજન્ડ મહાવીર ફોગાટની ભત્રીજીએ 2013માં યૂથ રેસલિંગ ચેમ્પિયનશિપથી કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય વિનેશે પહેલી જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીતીને પોતાનો પરચો આપ્યો હતો.