'જો જીતી ગઇ હોત તો...' સંન્યાસ પાછો ખેંચવાના સંકેત સાથે રેસલર વિનેશ ફોગાટનું ફરી દર્દ છલકાયું
Image: Twitter
Vinesh Phogat Open Letter: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી મેડલ વિના સ્વદેશ પરત ફરી છે. 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જેના કારણે તે મેડલ ચૂકી ગઈ હતી. હવે આટલા નજીકના અંતરથી મેડલ ચૂકી ગયા બાદ વિનાશ ફોગાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે. પોતાની આ પોસ્ટમાં વિનેશે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ પોસ્ટમાં એક તરફ તેણે પોડિયમ પર ન પહોંચી શકવા અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી છે તો બીજી તરફ તિરંગા પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેણે સંન્યાસ પાછું ખેંચવાના પણ સંકેત આપ્યા છે. વિનેશે ગત વર્ષે પૂર્વ WFI ચીફ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કરેલા વિરોધ પ્રદર્શનને પણ યાદ કર્યું છે. આ દરમિયાન જંતર મંતર પાસે તિરંગાની પાસે પોતાનો જમીન પર પડેલા ફોટોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે, પહેલવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન હું ભારતમાં મહિલાઓની સુરક્ષા અને તિરંગાની વેલ્યુ માટે લડી રહી હતી. આજે જ્યારે હું 28 મે 2023ના રોજની આ તસવીરને જોઉં છું તો તે મને હોન્ટ કરે છે.
પેરિસ ઓલિમ્પિકમાં વિનેસ ફોગાટ 50 કિગ્રાની ફાઈનલમાં પહોંચી ગઈ હતી. તેમ છતાં તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી કારણ કે, તેનું વજન 100 ગ્રામ વધારે આવ્યું હતું. આટલા નજીકના અંતરથી ચૂકી જવા અંગે વિનેશે લખ્યું કે, હું ઓલિમ્પિકમાં તિરંગાને સૌથી ઊંચો લહેરાવવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે મારી સાથે તિરંગાની એક એવી તસવીર હોય જે તેના એ મહત્વ અને પવિત્રતાને દર્શાવે જેને આપણો તિરંગો ડીઝર્વ કરે છે. હું આ કાર્ય કરીને તિરંગા અને કુસ્તીની ગરિમા પરત કરવા માંગતી હતી. ડિસ્ક્વોલિફાય થયા બાદ સંન્યાસની જાહેરાત કરનારી ફોગાટે ત્રણ પેજ ની લાંબી પોસ્ટના અંતમાં સંન્યાસથી વાપસી કરવાના પણ સંકેત આપ્યા છે. રમતે મારી જિંદગી નક્કી કરી છે અને હજુ અહીં કેટલાક કામ બાકી છે. અમારો જે લક્ષ્ય હતો તે અમે હાંસલ કરવા માંગતા હતા પરંતુ હજુ તે અધૂરો છે. આ કંઈક એવું છે જે અમને અધૂરું રહી ગયું હોવાનો અહેસાસ કરાવતું રહેશે. આ ફરીથી પહેલા જેવું ન હોય શકે.
વિનેશે આગળ લખ્યું કે, એવું બની શકે કે હું કેટલીક અલગ સ્થિતિમાં 2032 સુધી રમી શકું. એનું કારણ લડવાની ક્ષમતા અને કુસ્તી હંમેશા મારી અંદર રહેશે. હું ભવિષ્યવાણી ન કરી શકું કે મારું ભવિષ્ય કેવું હશે અને મારા સફરમાં હજુ શું અને કેટલું બાકી છે. પરંતુ એ નક્કી છે કે જે પણ બાબત મને સાચી લાગશે તેના માટે હું લડવાનું ચાલુ રાખીશ. આ પોસ્ટમાં વિનેશે પોતાના ગામનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે વિનેશ નવ વર્ષની હતી ત્યારે તેણે પોતાના પિતાને ગુમાવી દીધા હતા. ત્યારથી તેમની માતાએ તેમને દરેક પગલે સાથ આપ્યો છે આ ઉપરાંત તેણે પોતાના પતિ સોમવીરનો પણ ઉલ્લેખ કર્યો છે.