Get The App

ઓલિમ્પિકમાં ભારતને ઝટકો: વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિકમાં ભારતને ઝટકો: વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે 1 - image


Vinesh Phogat declared disqualified: પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. 

વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ

વિનેશ ફોગાટ બેભાન થઈ જતા તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ વિનેશને IV પ્રવાહી આપવાની ભલામણ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : તમે ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો, અમે તમારી સાથે છીએઃ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ PM મોદીની ટ્વિટ

IOAએ શું કહ્યું?

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં અયોગ્ય જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. IOA આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.

નિયમ શું કહે છે?

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથ્લીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકાશે. ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કઢાઈ હતી.

વિનેશનું વજન 50 કિલોથી વધુનો દાવો 

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં ભારતના ઓલિમ્પિક ખેલાડીઓને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું વજન 50 કિલોની કેટેગરી સાથે મેળ નથી ખાતું. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી 50 કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિગ્રાથી થોડોક જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.

ફાઇનલમાં અમેરિકન રેસલર સાથે ટક્કર થવાની હતી

વિનેશની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ટક્કર થવાની હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. 

સેમિ ફાઈનલમાં શાનદાર વિજય થયો હતો

વિનેશ ફોગાટે મંગળવારે (07 ઓગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ

1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડ મેડલ

2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ

3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ

4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ

5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ - સિલ્વર મેડલ

6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન - બ્રોન્ઝ મેડલ

8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ

9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ

10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

ઓલિમ્પિકમાં ભારતને ઝટકો: વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે 2 - image


Google NewsGoogle News