ઓલિમ્પિક ખેલાડીઓની PM મોદીએ કરી ભરપૂર પ્રશંસા; વિનેશ, મનુ ભાકર વિશે શું બોલ્યાં જુઓ?
Image: IANS |
PM Modi Meets Paris Olympics Athletes: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં હિસ્સો લેનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી, તેનો વીડિયો જાહેર થયો છે, જેમાં વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે, ઓલિમ્પિકમાં આપણા દેશના ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું છે. તેમજ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પોતાના અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા રેસલર વિનેશ ફોગટના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
Image: IANS |
ભાકરના મેડલથી દેશમાં ઉત્સાહઃ પીએમ મોદી
શૂટર મનુ ભાકરની રમતના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે મનુ ટોક્યો ઓલિમ્પિકની નિરાશામાંથી ઉભરી આવી છે. મનુ ભાકરના મેડલને કારણે દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ સાથે જ પીએમ મોદીએ ખેલો ઈન્ડિયા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે ખેલો ઈન્ડિયા અભિયાનમાંથી 28 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ગયા હતા. દેશમાં ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખેલાડીઓ માટે દેશમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. સરકાર રમતગમતના બજેટમાં સતત વધારો કરી રહી છે.
ભારત 2036 માટે તૈયારી કરી રહ્યું છે
ભારત ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પેરિસ ઓલિમ્પિકનો અનુભવ ઓલિમ્પિક 2036માં મદદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માંગે છે. આ માટે તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમને શુભેચ્છા પાઠવી હતી.