હાર્દિક પંડ્યાનું ફ્લોપ કમબેક, વિજય હજારે ટ્રોફીમાં બંગાળની ટીમે બરોડાને હરાવ્યું
Vijay Hazare Trophy : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. આ દરમિયાન તાજેતરમાં જ તેણે બરોડાની ટીમમાં સ્થાન મેળવી ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કર્યું છે. જોકે, કમબેક કરતા જ તે ફ્લોપ થઇ ગયો છે. હાર્દિકને વિજય હજારે ટ્રોફી 2024ની શરૂઆતની મેચોમાં રમવાની તક મળી નહોતી. બરોડા તરફથી તેને 13 ડિસેમ્બર બાદ શનિવારે (28 ડિસેમ્બર) રમવાની તક મળી હતી. જોકે, આ દરમિયાન હાર્દિક માત્ર એક રન બનાવી આઉટ થઇ ગયો હતો અને આ મેચમાં બંગાલે બરોડાને 7 વિકેટથી મ્હાત આપી હતી.
શાસ્વત રાવતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
નોંધનીય છે કે, બરોડાએ પ્રથમ બેટિંગ કરી 228 રન ફટકાર્યા હતા. જે દરમિયાન શાસ્વત રાવતે 95 રન બનાવી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા કોઇ ખાસ કમાલ બતાવી શક્યો નહતો. તે બે બોલમાં માત્ર એક રન બનાવી આઉટ થઇ ગયો હતો. ટીમનો કેપ્ટન કૃણાલ પંડ્યા પણ આ મેચ દરમિયાન ફ્લોપ રહ્યો હતો. તે ત્રણ રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો.
આ પણ વાંચોઃ WATCH: માતા-પિતા અને બહેનને મળીને ઈમોશનલ થઈ ગયો ભારતીય ક્રિકેટર, BCCIએ શેર કર્યો વીડિયો
બંગાળે આપી મ્હાત
બંગાળની ટીમે તોફાની પ્રદર્શન કરી બરોડાની ટીમને મ્હાત આપી હતી. બંગાળ તરફથી બોલર મુકેશ કુમારે 2 વિકેટ ઝડપી હતી જ્યારે સાયન ઘોષ અને પ્રદીપ્ત પ્રમાણિકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જે પછી બરોડાના 229 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બંગાળના બેટરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અનુસ્ટુપ મજૂમદારએ અણનમ 99 રન બનાવ્યા હતા. તેણે 106 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત સુમંત ગુપ્તાએ 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારી અણનમ 69 રન બનાવ્યા હતા. આમ બંગાળે માત્ર 43 ઓવરમાં જ લક્ષ્યાંક પ્રાપ્ત કરી 7 વિકેટથી મેચ જીતી હતી.
ભારતીય ટીમથી દૂર પંડ્યા
પંડ્યા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ઓક્ટોબર 2023માં ભારત માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. આ ઉપરાંત તેણે ભારતીય ટીમ તરફથી છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2018માં રમી હતી. પંડ્યા નવેમ્બર 2024થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે નવેમ્બરમાં ભારત માટે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
આ પણ વાંચોઃ મેલબર્નમાં નીતિશે કર્યું ફિલ્મી સેલિબ્રેશન, પુષ્પા બાદ બાહુબલી સ્ટાઇલની ઉજવણી વાઈરલ