Video: પોતે રડી પરંતુ ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને હસાવ્યા: કાવ્યા મારને જતા-જતા દિલ જીતી લીધું
IPL 2024ની સૌથી સ્ફોટક ટીમ બની ગયેલ હૈદરાબાદનો ફાઈનલમાં પ્રવેશ તો થઈ ગયો પરંતુ દશેરાએ ઘોડો જ ન દોડ્યો અને ટીમ 20 ઓવર પણ પુરી ન રમી શકી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. વળતા પ્રહારમાં KKRએ ઝડપી બેટિંગ કરીને 10 ઓવરમાં મેચ જીતી લીધી. કોલકાતા નાઈટ રાઈડર્સે 8 વિકેટે જીત મેળવીને ટાઈટલ ત્રીજી વખત પોતાના નામે કર્યું હતુ. આ નાલેશીભરી હાર બાદ SRH ટીમની માલિક કાવ્યા મારન ઈમોશનલ થઈ હતી અને મેચ બાદ ઓન સ્ક્રીન જ રડી પડી હતી. જોકે જેમ-તેમ તેણે આંસુ છુપાવ્યા અને SRHને ભારે હૈયે ચીયર-અપ અને KKRને શુભેચ્છા પાઠવતી નજરે પડી હતી.
સમગ્ર સિઝન એક ઉચ્ચ સ્ટાન્ડર્ડ સેટ કરીને રમનાર હૈદરાબાદની ટીમ ફાઈનલ મેચમાં આ હાર બાદ ટીમનો દરેક ખેલાડી ખૂબ જ નિરાશ દેખાતો હતો. જોકે હવે કાવ્યાનો બીજો એક વીડિયો સામે આવ્યો છે અને તે જોઈને દરેક ક્રિકેટ ફેન્સ અને ખેલાડીઓનું દિલ ખુશ થઈ જશે. સનરાઇઝર્સ હૈદરાબાદે જ કાવ્યા મારનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી અને આભાર માનતી જોવા મળી રહી છે. કાવ્યાએ ખેલાડીઓ સમક્ષ એવી કોઈ વાત મુકી કે હારથી સૂકાઈ ગયેલા ચહેરા પર એક જ ક્ષણમાં સ્મિત આવી ગયું હતુ.
ડ્રેસિંગ રૂમમાં મારને શું કહ્યું ?
કાવ્યા મારને સનરાઇઝર્સ હૈદરાબાદના ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાવ્યાએ કહ્યું કે તેની ટીમે આ સિઝનમાં બધાને બતાવ્યું છે કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. કાવ્યાએ કહ્યું કે ભલે આપણી ટીમ ચેમ્પિયન ન બની શકી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓએ પોતાની ક્ષમતા બતાવી છે. ગત વર્ષની IPL સિઝનમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે સમાપ્ત કરનાર ટીમે પ્લેઓફ જ નહિ પરંતુ ટોપ-2માં સ્થાન હાંસલ કરીને દરેકની વિચારસરણી બદલી નાખી છે.
મેદાનમાં જ રડી પડી કાવ્યા :
કાવ્યા મારને ભલે ટીમ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા, પરંતુ ટીમની હાર બાદ તે પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં અને સ્ટેડિયમમાં જ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. પોતાના આંસુ છુપાવવા માટે કેમેરાથી પોતાનો ચહેરો ફેરવી લીધો. કાવ્યા મારન પણ નિરાશ દેખાઈ હતી કારણ કે તેની ટીમ પાસે આ વખતે ચેમ્પિયન બનવાની સારી તક હતી પરંતુ KKRએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, આગામી સમય કાવ્યા મારન અને અન્ય દરેક ફ્રેન્ચાઈઝ ઓનર માટે વધુ મુશ્કેલ પડકાર હશે કારણકે આગામી સિઝન માટે એક મેગા હરાજી થશે અને સૌથી મોટો પ્રશ્ન એ હશે કે કઈ ટીમ કોને જાળવી રાખશે અને કોને ટીમમાંથી બહાર મુકવામાં આવશે.