VIDEO: શોએબ મલિકની ત્રીજી પત્ની સના થઈ ટ્રોલ, લોકોએ સાનિયા મિર્ઝાના નારા લગાવ્યા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
VIDEO: શોએબ મલિકની ત્રીજી પત્ની સના થઈ ટ્રોલ, લોકોએ સાનિયા મિર્ઝાના નારા લગાવ્યા 1 - image


નવી મુંબઇ,તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર 

પ્રેમ સરહદ કે સંબંધ જોઈને નથી થતો. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્નસંબંધ બાંધ્યા બાદ ભારતીય સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પર અનેક વાકબાણ ચાલ્યા હતા પરંતુ હવે શોએબ મલિક સાથેના છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા સાથે ભારત અને પાકિસ્તાન બંને દેશની પ્રજાની સાંત્વના અને સહાનુભૂતિ ઉભરાઈ રહી છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચેનો સંબંધ ભલે તૂટી ગયો હોય અને બંને હવે જીવનની સફરમાં આગળ વધી ગયા હોય પરંતુ તેમના પ્રશંસકો હજુ પણ તેમના અલગ થવાનું દર્દ અનુભવી રહ્યાં છે. તાજેતરમાં તેનો એક પુરાવો મલિક અને તેમની નવી ત્રીજી પત્ની સના જાવેદને મળી ગયો છે. પાકિસ્તાન સુપર લીગ(PSL)ની એક મેચ દરમિયાન સના જાવેદને પ્રેક્ષકો દ્વારા ટ્રોલ કરવામાં આવી છે. શોએબ મલિકે સના જાવેદ માટે જ સાનિયા મિર્ઝા સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

શોએબ મલિકની પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ PSL 2024ની એક મેચ જોવા આવી હતી. આ મેચમાં સ્ટેડિયમમાં બાઉન્ડ્રી દોરડા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સના જાવેદને એક દર્શક સાનિયા મિર્ઝાના નામથી બોલાવતો નજરે ચડે છે… સના જાવેદ આ વર્તણૂકથી નારાજ દેખાઈ અને દર્શક સામે ખુન્ન્સ નજરથી જોઈને આગળ ચાલી ગઈ.

દર્શક અહીં ન અટક્યો અને સના જાવેદના Staringનો જવાબ આપતા ફરીથી સાનિયા મિર્ઝાનું નામ લઈને જોર જોરથી હસવા લાગ્યો. સના જાવેદે આ વખતે પણ કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેના એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજથી સ્પષ્ટ હતું કે તે પરેશાન થઈ રહી છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ટ્વિટની કોમેન્ટમાં એક યુઝરે લખ્યું કે આવા લોકો સાથે આવું જ થવું જોઈએ. ઘણા યુઝર્સ સાનિયા મિર્ઝા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું છે કે આ સાનિયા, શોએબ અને સના વચ્ચેનો પારસ્પરિક મામલો છે. 

કેટલાક યુઝર્સે સના જાવેદને ટ્રોલ કરનાર દર્શકને અજ્ઞાની ગણાવ્યો. એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનીઓ મહિલાઓનું અપમાન કરવાનું બંધ નહીં કરે, આ વીડિયો તેનું ઉત્તમ ઉદાહરણ છે.

જાણકારી માટે ફરી જણાવીએકે સના જાવેદ શોએબ મલિકની ત્રીજી પત્ની છે. શોએબ મલિકે સના જાવેદ પહેલા ભારતની સાનિયા મિર્ઝા અને આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા.


Google NewsGoogle News