VIDEO: ધોનીનો જૂનો અવતાર ફરી દેખાયો, રોકેટ-થ્રોથી ઉડાવ્યું સ્ટંપ, બેટ્સમેન સહિત આખી ટીમ અને સ્ટેડિયમ જોતું રહી ગયું
નવી દિલ્હી,તા. 23 માર્ચ 2024, શનિવાર
‘મહેન્દ્ર સિંહ ધોની’ ક્રિકેટ જગતમાં આ નામ એક અનોખા અને આખી દુનિયા ન પહોંચી શકે તેવા લેવલ ઉપર જ રહે છે. હેલીકોપ્ટર શોટ હોય કે પછી સ્ટમ્પિંગ કે પછી ફિલ્ડ પ્લેસમેન્ટ હોય ધોનીના તોલે કોઈ ન આવે અને અશક્યને પણ શક્ય બનાવી શકનારનું નામ છે ‘ધ ગ્રેટ મહેન્દ્ર સિંહ ધોની.’ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો નિવૃતિ જાહેર કરી દીધી છે પરંતુ આજની તારીખમાં પણ અસંભવને પણ સંભવ કે કોઈને ગાઈડન્સની વાત આવે તો ધોનીનું નામ સૌપ્રથમ લેવાય છે.
ક્રિકેટ રસિકોને ધોનીનું ક્રિકેટ જોવાનો ખાસ કોઈ મોકો મળતો નથી એટલેજ સૌ કોઈ IPLની આતુરતાથી રાહ જોતા હોય છે. IPL 2024 સીઝનની ધમાકેદાર શરૂઆત સાથે પ્રથમ મેચમાં RCB સામે થાલાની ચેન્નાઈ સુપર કિંગનો જંગ ગઈકાલે જામ્યો હતો. આ મેચમાં સૌ કોઈ ધોનીની બેટિંગ જોવા આતુર હતા પરંતુ હાથમાં બેટ લઈને ધોનીને રમતો જોવા માટે ક્રિકેટ ફેન્સે હજી રાહ જોવી પડી શકે છે પરંતુ પ્રથમ મેચમાં ચિત્તા સમાન વિન્ટેજ ધોનીના દર્શન સૌકોઈને થઈ ગયા છે.
RCB સામેની આ સીઝનની પ્રથમ મેચમાં 42 વર્ષની ઉંમરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 25 વર્ષના યુવા ખેલાડી સમાન ઉત્સાહ બતાવ્યો છે. ધોનીએ પોતાના એક રોકેટ થ્રોથી બેટ્સમેન અને ટીમોને જ નહિ સૌ કોઈ પ્રશંસકોને રોમાંચિત અને ચોંકાવી દીધા હતા. ચેપોકના સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકો ધોનીના આ પરાક્રમને જોઈને ઉત્સાહથી ઉછળી પડ્યા હતા.
માહીનો રોકેટથ્રો અને સ્ટમપલા ડૂલ :
ધોનીનો આ મેચનોપ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. CSKના અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે રમાયેલી IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન અનુજ રાવતને પોતાના રોકેટ જેવા થ્રોથી રન આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 42 વર્ષની ઉંમરમાં પણ મહેન્દ્ર સિંહ ધોનીમાં આવી અદ્ભુત ઉર્જા જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
થયું એવું કે CSK vs RCB મેચમાં બેંગ્લોરનો બેટ્સમેન અનુજ રાવત શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. ચેન્નાઈનો ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ઈનિંગની છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલે તુષાર દેશપાંડેએ શાનદાર બોલિંગ લાઈન અને લેન્થ પર બોલ ફેંક્યો હતો અને તેના પર દિનેશ કાર્તિક શોટ ચૂકી ગયો હતો. જોકે નોન-સ્ટ્રાઈકર છેડે ઉભેલો અનુજ રાવત તરત જ રન ચોરવા દોડી પડ્યો હતો, પરંતુ તેણે ધોની સામે આ રિસ્ક લઈને ભૂલ કરી હતી.
સિંગલ રન દોડી જવાના પ્રયાસમાં રાવત ભૂલી ગયો હતો કે સામે કોણ ઊભું છે. ધોનીએ તરત જ બોલ કલેક્ટ કર્યો અને ચિત્તાની ચપળતા માફક બોલને સ્ટમ્પ પર ફેંક્યો. આ થ્રો એટલો ઝડપી હતો કે સ્ટમ્પ પર બોલ અડે ત્યારે અનુજ રાવત પણ ફ્રેમમાં નહોતો. આ સાથે RCBનો બેટ્સમેન 25 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો. અનુજ રાવતે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
RCB ફરી મેચ હાર્યું :
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 174 રનનો ટાર્ગેટ હતો. નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડના નેજા હેઠળ ચેન્નાઈએ 18.4 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવીને વિજયી શરૂઆત કરી છે. શિવમ દુબે (28 બોલમાં અણનમ 34) અને રવિન્દ્ર જાડેજા (17 બોલમાં અણનમ 25) એ પાંચમી વિકેટ માટે અણનમ 66 રન બનાવીને CSKને જીત અપાવી હતી.