Get The App

VIDEO: સચિન તેંદુલકરને મુરલીધરને લલચાવીને આવી રીતે બનાવ્યો શિકાર, જોઈને વિશ્વાસ નહીં થાય

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
VIDEO: સચિન તેંદુલકરને મુરલીધરને લલચાવીને આવી રીતે બનાવ્યો શિકાર, જોઈને વિશ્વાસ નહીં થાય 1 - image

 

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ પણ સચિન તેંદુલકર છેલ્લાં ઘણાં વર્ષોથી ક્યારેકને ક્યારેક મેદાન પર જોવા મળે છે. ક્યારેક કોચ તરીકે તો ક્યારેક મેન્ટોર તરીકે તો તાજેતરમાં ભારતમાં રમાયેલ વર્લ્ડકપમાં Golden Invitee તરીકે હાજર રહ્યાં હતા. જોકે ગઈકાલે લિટલ માસ્ટર ફરી ક્રિકેટના મેદાનમાં બેટ સાથે જોવા મળ્યા હતા. કર્ણાટકના મુદેનેહલ્લીમાં સાઈ કૃષ્ણન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વન વર્લ્ડ-વન ફેમિલી T20 મેચમાં તેંદુલકર સહિત ભારત અને દુનિયાભરના દિગ્ગજ પૂર્વ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સચિન તેંદુલકર અને મુથૈયા મુરલીધરન ક્રિકેટના મેદાન પર ઘણી વખત સામસામે આવી ચૂક્યા છે. વન વર્લ્ડ-વન ફેમિલી ટી20 ચેરિટી મેચમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરને સચિનને લલચાવીને બાઉન્ડ્રી લાઇન પર મોહમ્મદ કૈફના હાથે કેચ કરાવ્યો હતો. લિટલ માસ્ટરની વિકેટ લેતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

સચિન આઉટ થયો તેના એક બોલ પહેલાં મુરલીએ એક ડેડ બોલ ફેંક્યો હતો. બીજા જ વેલિડ બોલ પર મુરલીધરને લોંગ ઓન પર હાજર કૈફ દ્વારા સચિનને બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ કરાવ્યો હતો. મુરલીએ સચિનને લલચાવવા હવામાં બોલ ફેંક્યો હતો, જેના પર માસ્ટર બ્લાસ્ટરે આગળ વધીને સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બોલમાં મુરલીએ પોતાની લેન્થ થોડી પાછળ ખેંચતા સચિનનો કેચ ઝડપાઈ ગયો હતો. શોટમાં પૂરતું ટાઈમિંગ ન મળતા બોલ હવામાં ખૂબ જ ઊંચો ગયો, પરંતુ ડિસ્ટન્સ કવર ન કરી શક્યો અને લોંગ ઓન બાઉન્ડ્રી પર હાજર કૈફે કેચ કરીને તેંદુલકરનો કેચ ઝડપી લીધો. 

જોકે આ મેચમાં સચિને 15 બોલમાં 27 રનની શાનદાર ઈનિંગ રમી હતી. નોબલ એક્ટ સાથેની આ ફ્રેન્ડલી મેચમાં તેંદુલકરે એવા શોટ ફટકાર્યા હતા કે જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે તેણે 10 વર્ષ પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ બંને ખેલાડીઓ અને અન્ય દિગ્ગજોને રમતાં જોઇને દર્શકો પણ રાજીના રેડ થઈ ગયા હતા.

સ્કોરકાર્ડ :

ગુરુવારે રમાયેલી મેચમાં યુવરાજ સિંહની કપ્તાની હેઠળ ટીમ વન ફેમિલીએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા, જે બાદ સચિનની ટીમ વન વર્લ્ડે 19.5 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વન ફેમિલી તરફથી સૌથી વધુ રન (51) ઓપનર ડેરેન મેડીએ બનાવ્યા હતા. યુસિફ પઠાને પણ 24 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતુ. વન વર્લ્ડ તરફથી હરભજન અને આરપી સિંઘે 2-2 વિકેટ લીધી હતી. 

સામે પક્ષે 181નો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલ વન વર્લ્ડ તરફથી એલ્વિરો પીટરસને 50 બોલમાં 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રસપ્રદ વાત એ છે કે મેચની અંતિમ ઓવર નાખવા ઉતરેલા યુસુફ પઠાને 6 બોલમાં 7 રન બચાવવા હતા અને સામે પક્ષે ઈરફાન પઠાને 20મી ઓવરના પાંચમા બોલે 2 બોલમાં 3 રનની જરૂર હતી ત્યારે ભાઈ યુસુફની સામે સિક્સર મારીને મેચ જીતાડી હતી.


Google NewsGoogle News