VIDEO: નાથન લિયોન ટકલું છે... ઓસ્ટ્રેલિયાના જ દિગ્ગજે સ્ટાર ક્રિકેટરની મજાક ઉડાવી
Adam Gilchrist on Nathan Lyon : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે પોતાના દેશના સ્ટાર ઓફ સ્પીનર નાથન લિયોનની મજાક ઉડાવી હતી. કોમેન્ટ્રી દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ અને કેરી ઓ'કીફ વચ્ચે રમૂજી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
એડમ ગિલક્રિસ્ટે ઉડાવી નાથન લિયોનની મજાક
એડમ ગિલક્રિસ્ટ અને કેરી ઓ'કીફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યા હતા. એડમ ગિલક્રિસ્ટે સ્ટમ્પ માઈક પર 'બાલ્ડ ઇગલ' શબ્દો સાંભળ્યા અને તેણે તેના સાથી કોમેન્ટેટર કેરી ઓ'કીફની મજાક ઉડાવતા કહ્યું કે, 'હા, તે નાથન લિયોન છે, તે(ખેલાડી) તમારી(કેરી ઓ'કીફ) તરફ નહીં પરંતુ નાથન લિયોન તરફ ઈશારો કરી રહ્યો છે.'
નાથન લિયોન 'ટકલું' છે
ત્યારબાદ ગિલક્રિસ્ટના આ રમૂજી નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેરી ઓ'કીફે કહ્યું હતું કે, 'હિન્દીમાં તેને 'ટકલું' કહેવામાં આવે છે, કારણ કે મેં એક વખત ક્રિકેટ શો દરમિયાન એક આવી જ એક પોસ્ટ કરી હતી. ત્યારે કેટલાક ભારતીયોએ મને પૂછ્યું હતું કે, આ ટકલું કોણ છે? જ્યારે મેં તેને હિન્દીમાં જોયું ત્યારે તેનો અર્થ ટાલયો માણસ થતો હતો. પછી ત્યારે મને આ ચોંકાવનારા શબ્દ વિશે ખબર પડી હતી. તેથી નાથન લિયોન 'ટકલું' છે.' આ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
333 રનથી ઓસ્ટ્રેલિયન ટીમ આગળ
અહીં તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 228 રન બનાવ્યા હતા. હાલ ઓસ્ટ્રેલિયન ટીમ 333 રનથી આગળ છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. દિવસની રમતના અંતે નાથન લિયોન 41 રન પર જ્યારે સ્કોટ બોલેન્ડ 10 રન પર રમી રહ્યો હતો. બંનેએ છેલ્લી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેને સૌથી વધુ 70 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન પેટ કમિન્સે પણ ટીમ માટે 41 રનનું યોગદાન આપ્યું હતું. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના 479 રનના જવાબમાં ભારતીય ટીમ માત્ર 369 રન જ બનાવી શકી હતી.