Get The App

VIDEO: યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
VIDEO: યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો 1 - image

IND Vs AUS, Yashasvi Jaiswal : મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પહ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ થઇ ગયો હતો. પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ અપીલ પર પરંતુ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો. પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો અને તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો જેથી કરીને વિવાદ થયો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ એટલા માટે થયો કારણ કે રિવ્યૂમાં જ્યારે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકો મિટર પર કોઈ હિલચાલ જોવા મળી ન હતી. છતાં પણ થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલીને યશસ્વીને આઉટ આપ્યો હતો. આ નિર્ણય જોઈને મેદાન પર હાજર ભારતીય દર્શકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ભારતીય દર્શકોએ ઓસ્ટ્રેલિયા સામે બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા. યશસ્વી 84 રન કરી આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો.  

સુનીલ ગાવસ્કરે આપી પ્રતિક્રિયા

થર્ડ અમ્પાયરે આપેલા આ નિર્ણયથી બધાં જ ચોંકી ગયા હતા. સ્નિકો મિટરમાં કંઈ દેખાતું ન હોવાથી બધાને આશા હતી કે અમ્પાયર યશસ્વીને નોટ આઉટ આપશે. કોમેન્ટ્રીમાં બેઠેલા પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગાવસ્કરે કહ્યું હતું કે, 'જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવી રહ્યા છે.' 

દર્શકોએ સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા

યશસ્વીને આઉટ જોઈને ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા અને સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા હતા. આ સિવાય તેના પર SHAME લખેલા બોર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ જોઈને મેદાન પરના અમ્પાયર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વીએ મેદાન પરના અમ્પાયર સાથે ચર્ચા કરી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તે એકદમ નિરાશ અને ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. 

આ પણ વાંચો : IND vs AUS : મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય, જયસ્વાલ સિવાય તમામ બેટર ફ્લોપ

આવું પહેલીવાર નથી બન્યું

જો કે, આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે થર્ડ અમ્પાયરે આ સીરિઝમાં ખોટો નિર્ણય આપ્યો હોય. પર્થ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. રાહુલને મેદાન પરના અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમે રીવ્યૂ માંગ્યો હતો જેમાં સ્નિકો મિટરમાં કઈ જ સાબિત થયું ન હતું. બોલ રાહુલના પેડ પર વાગ્યો હતો જે સ્નિકો મિટર પર દેખાઈ રહ્યું હતું, પરંતુ તે બેટથી અથડાયો હોવાના કોઈ પૂરાવા મળ્યા ન હતા. જો કે, થર્ડ અમ્પાયરે રાહુલને આઉટ આપ્યો હતો.VIDEO: યશસ્વીને આઉટ આપવા અંગે મોટો વિવાદ, અમ્પાયર્સ પર ચીટિંગના આરોપ, સ્ટેડિયમમાં હોબાળો 2 - image



Google NewsGoogle News