VIDEO : પહેલા આઉટ આપ્યો પછી બદલ્યો નિર્ણય, થર્ડ અમ્પાયરની ભૂલ પર મેક્સવેલ પણ ચિંતામાં મૂકાયો
મેલબર્ન સ્ટાર્સે સિડની સિક્સર્સને 6 વિકેટથી હરાવ્યું હતું
જેમ્સ વિન્સે 57 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી
Third umpire gave out by pressing wrong button In BBL : વિશ્વભરમાં IPLની જેમ T20 લીગ રમાય છે. તેમાંની એક પ્રખ્યાત લીગ ઓસ્ટ્રેલિયામાં પણ રમાઈ રહી છે જેનું નામ બિગ બેશ લીગ છે. ગઈકાલે બિગ બેશ લીગમાં એક એવી ઘટના બની જે હાલ ખુબ ચર્ચામાં છે. સિડની સિક્સર્સ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થર્ડ અમ્પાયરે ભૂલથી ખોટું બટન દબાવીને બેટ્સમેનને આઉટ આપી દીધો હતો, પરંતુ તરત જ પોતાનો નિર્ણય બદલી નોટ આઉટ કરાર આપ્યો હતો.
ભૂલથી ખોટું બટન દબાવ્યું
આ ઘટના સિક્સર્સની બેટિંગ દરમિયાન બની હતી જયારે જેમ્સ વિન્સે ઈમાદ વસીમની ઓવરમાં સ્ટ્રેટ ડ્રાઈવ મારી અને બોલ વસીમના હાથને અડીને નોન સ્ટ્રાઈક એન્ડ પરના સ્ટમ્પ સાથે અથડાયો હતો. ત્યારબાદ મેલબર્ન સ્ટાર્સના ખેલાડીઓએ રન આઉટ માટે અપીલ કરી, જેથી ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો. આ દરમિયાન રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભા જોશ ફિલિપે બોલ સ્ટમ્પ સાથે અથડાય તે પહેલા જ બેટ ક્રિઝની અંદર મૂકી દીધું હતું. જો કે તે પછી પણ થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.
ફિલિપ અને મેકસવેલ બંને અમ્પાયરના નિર્ણયથી ચોંક્યા
અમ્પાયરના આ નિર્ણય બાદ કોમેન્ટેટર પણ હેરાન થઇ ગયા હતા. પરંતુ ફિલ્ડ અમ્પાયરે ખેલાડીઓને રોકાવવાનો સંકેત આપ્યો અને કહ્યું કે કંઇક ભૂલ થઇ છે. ત્યારબાદ થર્ડ અમ્પાયરે તરત જ પોતાનો નિર્ણય બદલ્યો અને મોટી સ્ક્રીન પર નોટ આઉટ આવ્યું. આ ઘટના બાદ ફિલિપ અને સ્ટાર્સના ગ્લેન મેકસવેલ બંને ચોંકી ગયા હતા.