VIDEO : ઑસ્ટ્રેલિયન્સે ફરી હદ વટાવી, સિડનીમાં વિરાટ કોહલીની એન્ટ્રી થતાં જ હુરિયો બોલાવ્યો
IND Vs AUS, Virat kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેડિયમમાં હાજર દર્શકોએ દિગ્ગજ ભારતીય બેટર વિરાટ કોહલી સાથે ખરાબ વર્તન કરી હુરયો બોલવ્યો હતો. પાંચમી ટેસ્ટના પહેલા દિવસે મેચ દરમિયાન સિડની સ્ટેડિયમમાં હાજર દર્શકોએ કંઈક એવું કર્યું કે જેનાથી વિરાટ કોહલીના ચાહકો પણ ગુસ્સે થઈ ગયા હતા.
એન્ટ્રી થયાની સાથેજ કોહલીનો દર્શકોએ હુરિયો બોલાવ્યો
જ્યારે વિરાટ કોહલી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ બૂમાબૂમ કરીને તેનું સ્વાગત કર્યું હતું. વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન દર્શકો વચ્ચે હંમેશા પ્રેમ અને નફરતનો સંબંધ રહ્યો છે. વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે સિડની સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. મેલબર્નમાં ચોથી ટેસ્ટ મેચમાં પણ પણ દર્શકોએ કોહલીનું હૂટિંગ કર્યું હતું.
આ પણ વાંચો : હવે કિંગ કોહલીનો ટીમ ઇન્ડિયાથી બહાર થવાનો વારો! આંકડા રોહિત કરતાં પણ ખરાબ
કોહલીનું સતત કંગાળ પ્રદર્શન
સિડની ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિરાટ કોહલી 69 બોલમાં માત્ર 17 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગ્સમાં કોહલીએ એક પણ અડધી સદી ફટકારી નથી. પર્થ ટેસ્ટમાં 100 રનની અણનમ ઇનિંગ રમ્યા બાદથી કોહલીનું બેટ શાંત પડી ગયું છે. ત્યારબાદ કોહલીએ 6 ઇનિંગ્સમાં અનુક્રમે 7, 11, 3, 36, 5 અને 17 રન બનાવ્યા હતા. અગાઉ કોહલીએ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે માત્ર ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં જ રમે છે. વન-ડે ક્રિકેટમાં પણ કોહલી લગભગ એક વર્ષથી સદી ફટકારી શક્યો નથી. કોહલીએ રમેલી છેલ્લી 5 વનડે મેચોમાં અનુક્રમે 54, 24, 14 અને 20 રન બનાવ્યા છે.