VIDEO : આઉટ થયા બાદ પણ પાછો બેટિંગ કરવા આવ્યો રહાણે, અમ્પાયર્સનો ચોંકાવનારો નિર્ણય
Ranji Trophy, Ajinkya Rahane : હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં અમ્પાયરિંગને લઈને ઘણાં વિવાદો સામે આવી રહ્યા છે. મુંબઈ અને જમ્મુ-કાશ્મીરની મેચ દરમિયાન આવું જ કંઇક બન્યું હતું જેમાં શ્રેયસ અય્યરની અમ્પાયર્સ સાથે બોલાચાલી થતા વિવાદ ઉભો થયો હતો. રહાણે આ મેચમાં આઉટ થયા પછી પવેલિયન પરત ફરી રહ્યો હતો અને તેની જગ્યાએ શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા આવી રહ્યો હતો. પરંતુ પાંચ મિનિટ બાદ અમ્પાયરે રહાણેને મેદાન પર પાછો બોલાવ્યો હતો અને ઠાકુરને બહાર મોકલી દીધો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
હકીકતમાં આ ઘટના મુંબઈની બીજી ઇનિંગની 25મી ઓવરમાં બની હતી. મેચના બીજા દિવસે શુક્રવારે ઉમર નજીરે રહાણેને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરી દીધો હતો. અહીંથી પછી બધો વિવાદ શરુ થયો હતો. રહાણે આઉટ થઇને ડ્રેસિંગ રૂમ પરત ફર્યો હતો અને તેની જગ્યાએ શાર્દુલ ઠાકુર મેદાન પર આવ્યો હતો. આ દરમિયાન અમ્પાયરે રિપ્લે જોઈ હતી. જેમાં થોડો સમય લાગ્યો અને અમુક રિપ્લે જોયા બાદ અમ્પાયરને જાણવા મળ્યું કે જે બોલ પર રહાણે આઉટ થયો હતો તે બોલ નો-બોલ હતી.
ત્યારબાદ મેદાન પરના અમ્પાયરે ઠાકુરને બહાર જવાનું કહ્યું હતું અને રહાણેને ફરીથી બેટિંગ કરવા માટે બોલાવ્યો હતો. જયારે રહાણે મેદાન પર આવ્યો ત્યારે અમ્પાયરે તેને કહ્યું કે, મેં મુંબઈના કેપ્ટનને રોકાવાનું કહ્યું હતું, પરંતુ તમે (અજિંક્ય રહાણે) મારી વાત સાંભળી નહી.
આ પણ વાંચો : બેટર મેડન ઓવર રમે તો આઉટ, એક જ બોલર 12 બોલ ફેંકશે, ક્રિકેટમાં લવાશે 4 નવા ગજબ નિયમ!
નિયમ શું કહે છે?
નિયમો અનુસાર, જો અમ્પાયરને લાગે કે બેટરને આઉટ આપ્યા વિના મેદાન છોડી દે છે અને એમ માની લે છે કે તે આઉટ છે, તો અમ્પાયર તેને પાછો બોલાવી શકે છે અને બોલને ડેડ બોલ જાહેર કરી શકે છે. આ કારણોસર અમ્પાયરે રહાણેને પાછો બોલાવ્યો હતો. જો કે, રહાણે લાંબો સમય ટકી શક્યો ન હતો કારણ કે તે બીજી જ ઓવરમાં પારસ ડોગરાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. પરંતુ આ ઘટના બાદ ફરી એકવાર ઘરેલુ ક્રિકેટમાં અમ્પાયરિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.