બુમરાહને સાચવો, દરેક ટુર્નામેન્ટમાં રમાડવાની લાલચ ન રાખશો...', દિગ્ગજ બોલરે ટીમ ઈન્ડિયાને ચેતવી
Vernon Philander on Jasprit Bumrah : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર વર્નોન ફિલેન્ડરે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પ્રસંશા કરી છે. ફિલેન્ડરનું માનવું છે કે, બુમરાહે ઝડપી બોલરો માટે ઊંચા માપદંડો નક્કી કર્યા છે. આ સિવાય તેણે ચેતવણી આપતા કહ્યું કે, 'ભારતે દરેક ટુર્નામેન્ટમાં તેને રમાડવાની લાલચથી બચવું જોઈએ અને તેના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.'
શું કહ્યું વર્નોન ફિલેન્ડરે?
વર્નોન ફિલેન્ડરે કહ્યું હતું કે, 'બુમરાહે ઝડપી બોલરો માટે ઊંચા માપદંડો નક્કી કર્યા છે, ઝડપ પર તેનું નિયંત્રણ શાનદાર છે. જો તમે એક વર્ષમાં ભારત દ્વારા રમવામાં આવેલી મેચોની સંખ્યા પર નજર નાખો તો એ સંખ્યા ઘણી વધુ છે. બુમરાહ જેવા ખેલાડીઓને મહત્ત્વપૂર્ણ સીરિઝ અને ટુર્નામેન્ટ માટે બચાવી રાખવો જોઈએ. તેને દરેક ટુર્નામેન્ટમાં રમાડવાની લાલચ ન રાખવી જોઈએ. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ અંગે વિચારવું જોઈએ. હવે IPLની સિઝનમાં ફ્રેન્ચાઇઝી ઈચ્છશે કે તે દરેક મેચ રમે. પરંતુ અહિયાં પણ વર્કલોડ મેનેજ કરવું જરૂરી છે. ઓછી મહત્ત્વની મેચો માટે અન્ય બોલરોને તક આપી શકાય છે. જો કે આ ઘણું મુશ્કેલ છે. કારણ કે, તમે હંમેશા રમવા માંગો છો અને નવા રેકોર્ડ બનાવવાની ઇચ્છા ધરાવો છો.'
તમારું શરીર એક નિશ્ચિત સંખ્યામાં જ બોલિંગ કરી શકે
વર્કલોડ મેનેજમેન્ટને લઈને ફિલેન્ડરે કહ્યું હતું કે, 'મને લાગે છે કે, બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ માટે ફિટનેસ ટ્રેનર અને ફિઝિયોએ માર્ગદર્શન આપવું જોઈએ. હવે પૂરી દુનિયામાં લીગ મેચો રમાઈ રહી છે અને તમારું શરીર એક નિશ્ચિત સંખ્યામાં જ બોલિંગ કરી શકે છે. જેથી તમારે નક્કી કરવાનું છે કે સાચા સમયે અને યોગ્ય ટુર્નામેન્ટમાં તે બોલિંગ કરે.' અહીં તમને જણાવી દઈએ કે, વર્નોન ફિલેન્ડરે દક્ષિણ આફ્રિકા માટે 64 ટેસ્ટ મેચ રમીને 224 વિકેટ ઝડપી હતી.