VIDEO : KKRના વિસ્ફોટક બેટરે RCB સામે ફટકાર્યો સિઝનનો સૌથી લાંબો છગ્ગો
Image:IANS |
Venkatesh Iyer Longest Six Of IPL 2024 : કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં KKRએ RCBને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી RCBની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 16.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન વેંકટેશ અય્યરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સિઝનનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
વેંકટેશે સૌથી લાંબો છગ્ગો ફટકારી ચાહકોને ચોંકાવ્યા
વેંકટેશ અય્યરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી આ મેચમાં 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના બેટર ઈશાન કિશનના નામે હતો. ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 103 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ હવે વેંકટેશ અય્યરે ઈશાન કિશનને પાછળ છોડી દીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મયંક ડાગર 9મી ઓવર નાખવા આવ્યો હતો. વેંકટેશ અય્યરે આ ઓવરના ચોથા બોલ પર 106 મીટર લાંબો છગ્ગો ફટકારીને ચાહકોને ચોંકાવી દીધા હતા.
ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે KKRને ધમાકેદાર શરૂઆત આપી
વેંકટેશ અય્યર ઉપરાંત KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા KKRના ઓપનર ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે ધમાકેદાર શરૂઆત આપી હતી. ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે KKR માટે મળીને 6.3 ઓવરમાં 86 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે સુનીલ નારાયણે 22 બોલમાં 47 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સુનીલ નારાયણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે 183 રનનો ટાર્ગેટ 19 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો.