'વિકેટકીપરની ભૂલની સજા બોલર કેમ ભોગવે...?', સ્ટાર ભારતીય બોલરે ઊઠાવ્યો અવાજ
IPL 2025: ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ ICCના નિયમો સામે અવાજ ઊઠાવ્યો છે. તેમનું માનવું છે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી ભૂલ માટે બોલરને શા માટે સજા મળવી જોઈએ. વરુણ ચક્રવર્તીએ આ મુદ્દો ઊઠાવ્યો છે કે, જો વિકેટકીપરના ગ્લોવ્સ સ્ટમ્પની બહાર જાય છે, તો બોલને નો બોલ જાહેર કરવામાં આવે છે. વરુણ ચક્રવર્તીએ આ નિયમ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે, 'આવા નિયમોમાં ફેરફાર થવો જોઈએ.'
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, ગુરુવારે (17મી એપ્રિલ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહ હતી. આ દરમિયાન મુંબઈના ઓપનર રાયન રિકેલ્ટનને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્પિનર ઝીશાન મલિંગાની બોલિંગમાં પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો હતો. તે પેવેલિયન પાછો ફર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી ક્રોસ કરવા છતાં, અમ્પાયરે તેને અટકાવ્યો કારણ કે થર્ડ અમ્પાયર વિકેટકીપરના ગ્લોવ્સ તપાસી રહ્યા હતા.
આ પણ વાંચો: વિરાટ કોહલીની RCB ઉબેર અને ટ્રેવિસ હેડને હાઈકોર્ટમાં ઢસડી ગઇ, જાણો ખરેખર મામલો છે શું?
થર્ડ અમ્પાયરે જોયું કે એક ક્ષણ એવી હતી, જ્યારે વિકેટકીપર હેનરિક ક્લાસેનના ગ્લોવ્સ સ્ટમ્પની બહાર લંબાયા હતા. ICC અને IPLના નિયમો અનુસાર, આ બોલ નો બોલ હતો. આ અંગે વરુણ ચક્રવર્તીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, "જો કીપરના ગ્લોવ્સ સ્ટમ્પની સામે આવે છે, તો તે ડેડ બોલ હોવો જોઈએ અને કીપર માટે ચેતવણી હોવી જોઈએ કે તે ફરીથી આવું ન કરે! નો બોલ અને ફ્રી હિટ નહીં! આમાં બોલરનો શું વાંક છે? હું આ વિશે ઘણું વિચારી રહ્યો છું! તમે બધા શું વિચારો છો?"