7 પ્રકારના મિસ્ટ્રી બોલ ફેંકે છે ટીમ ઈન્ડિયાનો જાદુઈ બોલર, ગમે તે પિચ પર બેટરને ચોંકાવવા સક્ષમ
Varun Chakavarthy, IND vs ENG T20I: વર્તમાન સીરિઝની પ્રથમ T-20 મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાના બોલરો પૂરા ફોર્મમાં જોવા મળ્યા હતા. લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી અદ્ભુત હતો. તેણે ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ લીધી, જેના કારણે ઈંગ્લિશ ટીમ માત્ર 132 રનમાં જ પડી ગઈ. બાદમાં અભિષેક શર્માએ 34 બોલમાં 79 રનની ઈનિંગ રમી હતી. પરિણામે ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડ લગભગ 9 રન પ્રતિ ઓવરના રેટથી સ્કોર કરી રહ્યું હતું
વરુણ ચક્રવર્તીએ ઈંગ્લેન્ડ સામેની કોલકાતા T-20માં હેરી બ્રુક (17) અને પછી વિસ્ફોટક બેટર લિયામ લિવિંગસ્ટોન (0)ને ત્રણ બોલમાં જ આઉટ કર્યા હતા. વરુણે જોસ બટલર (68)ને પણ આઉટ કર્યો હતો. પાવરપ્લે પછી, ઈંગ્લેન્ડ લગભગ 9 રન પ્રતિ ઓવરના રેટથી સ્કોર કરી રહ્યું હતું, પરંતુ ચક્રવર્તીએ એક જ ઓવરમાં મેચને પલટી નાખી હતી.
વરુણ ચક્રવર્તી એક સ્ટાર સ્પિન છે
વરુણની આ 3 વિકેટ આ મેચનું એક્સ ફેક્ટર સાબિત થઈ. 'પ્લેયર ઓફ ધ મેચ' 33 વર્ષના વરુણ ચક્રવર્તીની વાત કરીએ તો જ્યારે પણ તેને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં તક મળી, તેણે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે. વરુણ ચક્રવર્તી 7 રીતે બોલ ફેંકી શકે છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખૂબ જ ખતરનાક બની જાય છે.
તાજેતરના આફ્રિકા વિરૂદ્ધ T-20 પ્રવાસમાં વરુણે પોતાની બોલિંગથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા. તેણે નવેમ્બર 2024માં આફ્રિકા સામે 4 T-20 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. વરુણના પ્રદર્શનની પણ પ્રશંસા થવી જોઈએ કારણ કે આફ્રિકાની પેસ પિચોને સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવતી નથી.
વરુણને ગૌતમ ગંભીરનો ફેવરિટ સ્પિનર માનવામાં આવે છે
વરુણની વાત કરીએ તો તેને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો ફેવરિટ સ્પિનર માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) કનેક્શન છે. ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ વરુણ પણ ઑક્ટોબર 2024માં લગભગ 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. બાંગ્લાદેશ સામે, વરુણે તે સીરિઝની 3 મેચમાં 5 વિકેટ લીધી હતી.
વરુણને વ્હાઈટ બોલ ક્રિકેટનો માસ્ટર માનવામાં આવે છે
વરુણે અત્યાર સુધી 14 T-20 ઈન્ટરનેશનલ મેચમાં 22 વિકેટ લીધી છે. તેમજ ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે એક વિકેટ છે. વરુણને વ્હાઈટ બોલ ક્રિકેટનો માસ્ટર માનવામાં આવે છે. તેણે 23 લિસ્ટ A મેચમાં 59 વિકેટ લીધી છે. તેના નામે 102 T-20 મેચમાં 127 વિકેટ છે. વરુણે IPLની 71 મેચમાં 83 વિકેટ લીધી છે.
બોલને 7 રીતે ફેંકે છે, તે ફ્રીલાન્સ આર્કિટેક્ટ હતો
પ્રોફેશનલ ક્રિકેટર બનતા પહેલા તે ફ્રીલાન્સ આર્કિટેક્ટ તરીકે કામ કરતો હતો. આઈપીએલમાં તેની એન્ટ્રી મિસ્ટ્રી બોલિંગને કારણે થઈ હતી. વરુણે પોતે થોડા વર્ષો પહેલા દાવો કર્યો હતો કે તે બોલને 7 રીતે ફેંકી શકે છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પીન, યોર્કર ઓન ટોઝનો સમાવેશ થાય છે.