પાકિસ્તાની ખેલાડીએ બોલ સાથે છેડછાડ કર્યાની આશંકા, મેચ બાદ અમેરિકન ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ
T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ખૂબ જ શરમજનક શરૂઆત થઈ છે. ગ્રુપ Aની પાકિસ્તાનની ટીમનો સામનો પ્રથમ મેચમાં અમેરિકા સામે થયો હતો. આ ટૂર્નામેન્ટનો પ્રથમ વખત ભાગ બનેલી USAની ટીમ સામે પાકિસ્તાનની નાલેશીભરી હાર થઈ છે. મેચ ટાઈ થઈ અને અંતે સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ સાઉથ આફ્રિકા તરફથી અગાઉ રમતા ફાસ્ટ બોલર અને હવે અમેરિકામાં સ્થાયી થઈને અમેરિકા તરફથી ક્રિકેટ રમી રહેલા ખેલાડીએ પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મેચમાં હરિસે પોતાની 4 ઓવરમાં 37 રન આપ્યા હતા અને માત્ર 1 વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો.
હરિસે અંગૂઠા વડે કર્યું બોલ ટેમ્પરિંગ :
દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર યુએસએ ટીમના ફાસ્ટ બોલર રસ્ટી થેરોન અત્યાર સુધીમાં 18 T20 મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેણે 24 વિકેટ ઝડપી છે. રસ્ટી થેરોને યુએસએ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોતાની પોસ્ટમાં ICCને ટેગ કરતા લખ્યું કે, "શું આપણે માત્ર ઢોંગ કરી રહ્યા છીએ કે પાકિસ્તાન આ બદલાયેલા બોલને ટેમ્પર નથી કરી રહ્યું ? 2 ઓવર પહેલા બદલાયેલ બોલને રિવર્સ કરી રહ્યો છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હરિસ રઉફ બોલ પર અંગૂઠાના નખ વડે બોલને છંછેડી રહ્યો છે.”
ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં અમેરિકા ટોપ પર :
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા કોઈએ અનુમાન લગાવ્યું ન હતું કે USAની ટીમ સુપર 8માં પહોંચવાની રેસમાં હશે પરંતુ પહેલા કેનેડા સામેની મેચમાં એકતરફી જીત મેળવીને અને હવે પાકિસ્તાનની ટીમને હરાવી ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. અમેરિકાની આગામી મેચ ભારત અને આયર્લેન્ડ સામે છે. આ બંનેમાંથી જો યુએસએની ટીમ એક પણ મેચ જીતવામાં સફળ રહે છે તો આ ગ્રુપમાં સુપર 8માં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર બનશે. આ ગ્રુપની આગામી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં રમાવા જઈ રહી છે, જે વધુ એક હાઈ વોલ્ટેજ ડ્રામા બની શકે છે.