'મિની ઈન્ડિયા' જેવી USAની ટીમ સામે હારી ગયું પાકિસ્તાન, હવે અમેરિકાએ આ મામલે કરી ટિપ્પણી
અમેરિકામાં રમાયેલી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની મેચમાં અમેરિકાની ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનની ખરાબ હારનો મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે. વિશ્વ ક્રિકેટની એક વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ એવા પાકિસ્તાનની આવી રીતે હાર થવાની કોઈને અપેક્ષા નહોતી. સામે પક્ષે અમેરિકાની ટીમમાં નવા ખેલાડીઓ હતા અને બિનઅનુભવી ટીમ રમવા ઉતરી હતી. આ ટીમમાં 8 ભારતીય મૂળનાં ખેલાડીઓ હતા જેને 'મિની ઈન્ડિયા' કહી શકાય.
પાકિસ્તાને આપેલો ટાર્ગેટ અમેરિકન ટીમ લગભગ ચેઝ કરી જ ચૂકી હતી પરંતુ આખરે ટાઈ પડતાં મેચ સુપર ઓવરમાં ગઈ હતી જેમાં સૌરભ નેત્રવલકરની શાનદાર બોલિંગનાં સહારે અમેરિકા જીતી ગયું હતું.
ગયા અઠવાડિયે વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનનો સામનો અમેરિકા સામે થયો હતો. અમેરિકા ક્યારેય ક્રિકેટની રમતનો શોખીન દેશ રહ્યો નથી. ત્યાંની સૌથી લોકપ્રિય રમતો બાસ્કેટબોલ અને ફૂટબોલ છે. પરંતુ, ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે, ICCએ આ વખતે T20 વર્લ્ડ કપની આઠ લીગ મેચો અમેરિકામાં યોજવાનું નક્કી કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં યજમાન હોવાના કારણે અમેરિકાની ક્રિકેટ ટીમ પણ રમવા આવી હતી.
હવે આ ટીમે મહત્વપૂર્ણ લીગ મેચમાં પાકિસ્તાનની મુખ્ય ટીમને હરાવી હતી. વર્લ્ડ કપના દૃષ્ટિકોણથી તેને એક અપસેટ મેચ તરીકે વર્ણવવામાં આવી હતી. આ મેચની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારબાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની રૂટિન પ્રેસ કોન્ફરન્સમાં પણ આ મુદ્દો સામે આવ્યો હતો. એક પત્રકારે પ્રવક્તાને પૂછ્યું કે મેચમાં અમેરિકાના હાથે પાકિસ્તાનની હારને તમે કેવી રીતે જુઓ છો?
આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, 'જ્યારે હું મારી નિપુણતાના વિષય સિવાય અન્ય કોઈ મુદ્દા પર ટિપ્પણી કરું છું ત્યારે મને ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને હું માનું છું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ચોક્કસપણે આ કેટેગરીમાં આવે છે. તેનો અર્થ એ કે હું આ વિશે કંઈપણ ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી.'
રસપ્રદ વાત એ છે કે અમેરિકન ક્રિકેટ ટીમમાં બહુ ઓછા મૂળ વતની હતા. કારણ કે અમેરિકનોને ક્યારેય ક્રિકેટનો બહુ શોખ રહ્યો નથી. આવી સ્થિતિમાં રચાયેલી ટીમમાં એક-બે નહીં પરંતુ સાતથી આઠ જેટલા ખેલાડીઓ ભારતીય મૂળના હતા. આ કારણથી અમેરિકન ટીમને 'મિની ઈન્ડિયા' કહેવામાં આવે તો પણ કંઇ ખોટુ નથી.