વિમેન્સ સ્પોર્ટ્સમાં હવે ટ્રાન્સજેન્ડર્સને નો એન્ટ્રી, ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય
Donald Trump banned transgender from participating in women sports : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે વિમેન્સ સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર એથ્લીટની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહીં રસપ્રદ વાત એ છે કે 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ના દિવસે ટ્રમ્પે આ આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તે ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને પણ લાગુ પડશે કે જેઓ જન્મ સમયે પુરુષ હતા અને પછીથી લિંગ પરિવર્તન કરાવીને સ્ત્રી બન્યા છે.
'કીપિંગ મેન આઉટ ઓફ વિમેન્સ સ્પોર્ટ્સ'
આ એક્ઝીક્યુટીવ આદેશનું નામ 'કીપિંગ મેન આઉટ ઓફ વિમેન્સ સ્પોર્ટ્સ' છે. આ આદેશ પર હસ્તાક્ષર કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, 'આ એક્ઝીક્યુટીવ આદેશની સાથે જ વિમેન્સ સ્પોર્ટ્સ પર ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઇ જશે.' તેમની સાથે કોંગ્રેસવુમન અને મહિલા એથ્લીટ પણ હાજર હતા. જેમાં ભૂતપૂર્વ કોલેજિયેટ સ્વિમર રાયલી ગેઇન્સનો સમાવેશ થાય છે, જેમણે આ પ્રતિબંધને ટેકો આપ્યો હતો.
ટ્રમ્પે પોતાનું વચન પાળ્યું
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે, 'આ આદેશ ટ્રમ્પે આપેલા એ વચનનું પરિણામ છે કે, જેમાં તેમણે મહિલાઓને સમાન તક આપવાની વાત કહી હતી. ટ્રમ્પ સરકારનો આ નિર્ણય સ્કુલ, કોલેજ સહિત દરેક જગ્યાએ લાગુ થશે.' અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકાના 25 રાજ્યોની હાઈસ્કુલ અને યુવા સ્તર પર વિમેન્સ સ્પોટ્સમાં ટ્રાન્સજેન્ડર અથ્લીટો પર પ્રતિબંધ મૂકનારો કાયદો પસાર થઇ ચૂક્યો છે.
પુરુષને મહિલાઓની રમતથી દૂર રાખવા જોઈએ - ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં આ મુદાને સૌથી વધુ આગળ રાખીને કહ્યું હતું કે, 'પુરુષને મહિલાઓની રમતથી દૂર રાખવા જોઈએ.' એક અમેરિકન સર્વેમાં સામે આવ્યું હતું કે, અડધાથી વધુ મતદારોનું માનવું હતું કે, ટ્રાન્સજેન્ડર અધિકાર માટેનું સમર્થન ખૂબ આગળ વધી ગયું છે.