IPL ઓક્શનમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની ધુંઆધાર બેટિંગ, 36 બોલમાં ફટકારી સેન્ચુરી
Urvil Patel : તાજેતરમાં IPL 2025 માટે યોજાયેલા મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી. પરંતુ તેમાંમાંથી માત્ર 182 ખેલાડીઓ જ સિલેક્ટ થયા હતા. એટલે કે ઓક્શનમાં કુલ 395 ખેલાડીઓ નિરાશ થયા હતા. આવો જ એક ખેલાડી ઉર્વિલ પટેલ હતો. કે જેણે મેગા ઓક્શનમાં કોઈએ પણ ટીમમાં સામેલ કર્યો ન હતો. પરંતુ તેણે નિરાશાને હાવી થવા દીધી ન હતી અને એક અઠવાડિયામાં 2 તોફાની સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ઉર્વિલે રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો
ગયા મહિને ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી રમતા રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વિલે માત્ર 28 બોલમાં સદી ફટકારીને આ શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી. આ રીતે તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટર બની ગયો હતો. તેણે ત્રિપુરા વિરૂદ્ધ માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. અને આ સાથે તેણે T20માં સૌથી ઝડપી સદી પૂરી કરવાના મામલે પંતને બીજા સ્થાને ધકેલી દીધો હતો. આ પહેલા પંતે 32 બોલમાં સદી ફટકારવાનું મોટું કારનામું કર્યું હતું.
રોહિત શર્માનો રેકોર્ડ તોડવાનું ચૂક્યો ઉર્વિલ
આ ઐતિહાસિક સદી ફટકાર્યાને થોડા દિવસો બાદ જ ઉર્વિલ પટેલે ફરી એકવાર તોફાની સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. ઉર્વિલ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ 2024માં ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે તેણે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં એક સપ્તાહની અંદર ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. હવે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી ટોપ-3 T20 સદીઓમાંથી ઉર્વિલના નામે 2 સદી છે. T20 ક્રિકેટમાં ઉર્વિલની આ સદી કોઈ પણ ભારતીય દ્વારા ફટકારેવાના આવેલી ચોથી સૌથી ઝડપી સદી છે. જો કે તે રોહિત શર્માનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો. રોહિતે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી
સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી
ઉર્વિલ પટેલ- 28 બોલમાં
રિષભ પંત- 32 બોલમાં
ઉર્વિલ પટેલ- 36 બોલમાં