IPLમાં અનસોલ્ડ રહેલા ગુજરાતી બેટરે બોલરો પર દાઝ કાઢી, 28 બોલમાં ફટકારી તોફાની સદી
Image Ista |
IPL 2025 Mega Auction : IPL 2025ની મેગા હરાજી પૂરી થયાને માત્ર બે દિવસ જ થયા છે. અને હાલમાં સૌથી વધુ ચર્ચા એવા ખેલાડીઓની થઈ રહી છે, જેઓ હરાજીમાં સૌથી મોંઘા વેચાયા હતા. પરંતુ જે નથી વેચાયા તેમના વિશે કોઈ વાત કરતું નથી. આ દરમિયાન એક ખેલાડીએ ભારતીય બેટર તરીકે સૌથી ઝડપી T20 સદી ફટકારી છે અને તે પોતે ન વેચાયા હોવાની વાત કરી હતી. અમે જેની વાત કરી રહ્યા છીએ તે ગુજરાતના ઉર્વીલ પટેલ છે. તેણે ઋષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે અને આટલો મોંઘો વેચાતાં તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં રેકોર્ડ બનાવ્યો
ભારતમાં હાલમાં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટમાં IPLના ખેલાડીઓ અને ભારતીય ટીમના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને ઈજાગ્રસ્ત ભારતીય ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાંથી વાપસી કરી રહ્યા છે. આ દરમિયાન IPL ટીમો પણ આ ટુર્નામેન્ટ પર નજર રાખે છે, કારણ કે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાય છે. IPL ફ્રેન્ચાઇઝીસ આ ટુર્નામેન્ટમાંથી નવા ખેલાડીઓ પસંદ કરે છે અને પછી તેમના પર ભારે બોલી લગાવે છે.
ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી હતી
ઉર્વિલ પટેલ વિશે વાત કરવામાં આવે તો તેણે ઋષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારત માટે T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર રિષભ પંત હતા. વર્ષ 2018માં તેણે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં 32 બોલમાં સદી ફટકારીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, પરંતુ હવે રિષભ પંત બીજા સ્થાને પહોંચી ગયો છે. ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં સદી ફટકારી છે. ત્રિપુરા સામે ગુજરાત તરફથી રમતા તેણે આ સિદ્ધિ મેળવી હતી. ખાસ વાત એ છે કે ઉર્વિલ પટેલ પણ પંતની જેમ વિકેટ કીપર બેટર છે.
IPLમાં ન મળ્યો કોઈ ખરીદનાર
આ વખતે પણ ઉર્વિલ પટેલે આઈપીએલની હરાજી માટે પોતાનું નામ આપ્યું હતું, પરંતુ કદાચ તે શોર્ટલિસ્ટ નહીં થઈ શક્યો હોય. જો કે આ પહેલા તે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સની ટીમમાં હતો, પરંતુ તેને રમવાની તક નહોતી મળી. આ વખતે તેને હરાજીમાં આવવાનો સમય પણ ન મળ્યો. ઉર્વિલ પટેલની જોરદાર બેટિંગના કારણે ગુજરાતની ટીમે 8 વિકેટે મેચ જીતી લીધી હતી. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે ઉર્વિલ 35 બોલમાં 113 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન ઉર્વિલે 7 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.