શ્રીલંકન ક્રિકેટમાં વધુ એક મોટો ફેરફાર, નવી પસંદગી સમિતિની જાહેરાત, પૂર્વ દિગ્ગજને સોંપાઈ મોટી જવાબદારી
રાષ્ટ્રીય ટીમોના સિલેકશન માટે 2 વર્ષ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી
Image:IANS |
Sri Lanka Cricket Selection Committee : શ્રીલંકા ક્રિકેટ ટીમના ODI World Cup 2023માં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની ટીમથી લઈને બોર્ડ સુધી મોટા ફેરફારો જોવા મળ્યા હતા. શ્રીલંકાની સરકારે પણ ક્રિકેટ બોર્ડમાં દખલ કરી હતી. જે બાદ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધું હતું. હવે ફરી શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નવી ટીમ પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરોને અલગ-અલગ પદો સોંપવામાં આવ્યા છે.
2 વર્ષ માટે નવી ક્રિકેટ પસંદગી સમિતિની રચના
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આજે રાષ્ટ્રીય ટીમોના સિલેકશન માટે 2 વર્ષ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આ નવી પસંદગી સમિતિના અધ્યક્ષ શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઉપુલ થરંગા છે. આ સમિતિના સભ્યોમાં અજંતા મેન્ડિસ, ઈન્ડિકા ડી સરમ, થરંગા પરાનવિતાના અને દિલરુવાન પરેરા પણ સામેલ થશે.
નવી પસંદગી સમિતિ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની પસંદગી કરશે
પસંદગી સમિતિની પ્રથમ ઔપચારિક જવાબદારી વર્ષ 2024માં શ્રીલંકાના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમની પસંદગી કરવાની રહેશે. શ્રીલંકા ક્રિકેટના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નવી સમિતિની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જેનું ઉદ્ઘાટન રમતગમત અને યુવા બાબતોના માનનીય મંત્રી હરિન ફર્નાન્ડોએ કર્યું હતું.