ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ઓસ્ટ્રેલિયન ટીમમાં ઉથલપાથલ, 5 મોટા ફેરફાર, સ્ટાર બોલર જ ખસી ગયો
5 major changes in Australian team before Champions Trophy : 19 ફેબ્રુઆરીથી શરુ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને એક નહીં પરંતુ પાંચ મોટા ઝટકા લાગ્યા છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવશે. પરંતુ હવે ICCની ડેડલાઈન પહેલા 15 સભ્યોની ટીમમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા છે. કેપ્ટન પેટ કમિન્સની સાથે ઝડપી બોલર જોશ હેઝલવુડ, ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઈનિસ પહેલાથી જ ટીમની બહાર થઇ ગયા છે. હવે ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયો છે.
મિચેલ સ્ટાર્ક ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર
પહેલાથી જ ઓસ્ટ્રેલિયન ટીમના બે બોલરો ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા અને હવે મિચેલ સ્ટાર્ક પણ નહી રમે તો ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ ઘણું નબળું પડી જશે. અંગત કારણોને લીધે મિચેલ સ્ટાર્કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે આ ટુર્નામેન્ટ માટે બુધવારે 15 ખેલાડીઓની પોતાની ટીમની ઘોષણા કરી દીધી છે અને સ્ટાર્કની ગેરહાજરી અને ખેલાડીઓની ઈજાને કારણે પરેશાન ચાલી રહેલી ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.
પાંચ નવા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ
અહીં તમને જણાવી દઈએ કે, કેપ્ટન પેટ કમિન્સ પગમાં ઈજા, ઝડપી બોલર જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શ પીઠની ઈજાના કારણે ટીમથી બહાર થઇ ગયા છે. જયારે આ મહિનાની શરૂઆતમાં માર્કસ સ્ટોઈનિસે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે આ બધાની જગ્યાએ ક્યાં પાંચ નવા ખેલાડીને ટીમમાં સ્થાન આપવું એ ટીમ માટે માથાનો દુખાવો બની ગયું હતું. તેથી હવે સીન એબોટ, બેન ડવાશીર્સ, જેક ફ્રેઝર-મેકગર્ક, સ્પેન્સર જોહ્ન્સન અને તનવીર સંઘાને ટીમમાં સ્થાન મળ્યું છે. જયારે ટીમની કેપ્ટનશીપ સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયની ટીમ : સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન ડવાશીર્સ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ અને એડમ ઝામ્પા.