U-19 WC : ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં, બંને વચ્ચે એક પણ મેચ નહીં પણ મહા મુકાબલાનો એક ચાન્સ!
ભારત અને પાકિસ્તાન ટીમની સુપર-6 રાઉન્ડમાં એન્ટ્રી
પોતપોતાના ગ્રૂપમાં ટોપ પર રહી બંને ટીમો
Image: Twitter |
U-19 World Cup 2024 IND vs PAK Match : સાઉથ આફ્રિકામાં U-19 World Cup 2024 રમાઈ રહ્યું છે. ભારતીય ટીમનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતીય ટીમ સુપર-6માં પહોંચી ચુકી છે. ભારત સાથે આ સુપર-6 ગ્રુપમાં પાકિસ્તાન પણ છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો જોવા મળશે. પરંતુ જણાવી દઈએ કે હાલ તે સંભવ નથી. ભારત અને પાકિસ્તાન એક ગ્રૂપમાં હોવા છતાં સુપર-6 રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે નહીં.
બંને ટીમો પોતપોતાના ગ્રૂપમાં ટોપ પર રહી
U-19 World Cup 2024ના ગ્રુપ સ્ટેજ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-6 રાઉન્ડ માટે ગ્રૂપ-1નો ભાગ છે. ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજ દરમિયાન ગ્રૂપ-Aમાં હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ ગ્રૂપ-Dમાં હતી. બંને ટીમો પોતપોતાના ગ્રૂપમાં ટોપ પર રહી હતી. દરેક ગ્રૂપની ટોપ-3 ટીમોએ સુપર-6 રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે ગ્રૂપ-A અને ગ્રૂપ-Dની ટીમોને સુપર-6ના ગ્રૂપ-1માં સ્થાન મળ્યું છે. જ્યારે ગ્રૂપ-B અને ગ્રૂપ-Cની ટીમો સુપર-6માં ગ્રૂપ-2નો ભાગ બની હતી.
ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમો સુપર-6 રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે નહીં
ટૂર્નામેન્ટના નિયમો મુજબ ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમો સુપર-6 રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે નહીં. ભારત અને પાકિસ્તાન બંને પોતાના ગ્રૂપમાં ટોપ પર રહ્યા હતા. આ કારણોસર બંને સુપર-6 રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાશે નહીં. આ સિવાય સુપર-6 રાઉન્ડમાં કોઈપણ ટીમ પોતાના ગ્રૂપની ટીમ સામે ટકરાશે નહીં. આ રીતે ગ્રૂપમાં માત્ર બે ટીમો બાકી છે, જેની સામે કોઈપણ ટીમ ટકરાશે. જેમ કે ભારત ગ્રૂપ-Dની બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો સામે રમશે. એટલે કે તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ અને નેપાળ સાથે થશે. ગ્રૂપ-Dમાં પાકિસ્તાન પ્રથમ ક્રમે છે. તે ગ્રૂપ-Aમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સાથે ટકરાશે.
ક્યારે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સુપર-6માં કોઈ ટક્કર જોવા નહીં મળે. પરંતુ નોકઆઉટ રાઉન્ડમાં બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. ICCની સત્તાવાર વેબસાઈટમાં સેમિફાઈનલની તસવીર સ્પષ્ટ નથી. એવી સંભાવના છે કે ગ્રૂપ-1ની ટોપની ટીમ સેમિફાઈનલમાં ગ્રૂપ-2ની બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ફાઈનલ પહેલા થાય તેવું લાગતું નથી.