U-19 World Cupમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટરની યાદીમાં ત્રણ ભારતીય, ઉદય સહારન ટોચ પર
ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 79 રનથી જીત મેળવીને
ઓસ્ટ્રેલિયાએ અંડર-19 વર્લ્ડકપની ચોથી ટ્રોફી જીતી
Image:Twitter |
ICC U 19 World Cup 2024 Most Runs And Wicket : ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 79 રનથી જીત મેળવીને અંડર-19 વર્લ્ડકપની ચોથી ટ્રોફી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા છેલ્લે અંડર-19 વર્લ્ડકપ 2010માં ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ હતી જેને કોઈ હરાવી શક્યું ન હતું. જો કે તેમ છતાં, તેનો કોઈ પણ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર અથવા વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોપ પર નથી.
સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટરની યાદીમાં ઉદય સહારન ટોપ પર
અંડર-19 વર્લ્ડકપ 2024માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટરની યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન ઉદય સહારન ટોપ પર છે. તેણે ટુર્નામેન્ટની 7 મેચોમાં 56.71ની એવરેજ સાથે 397 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી હતી. ભારતીય ટીમમાંથી ઉદય સહારન ઉપરાંત મુશીર ખાન અને સચિન ધાસને આ યાદીમાં સ્થાન મળ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્સન અને હ્યુગ વિબગેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અંડર-19 વર્લ્ડકપ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટર
ઉદય સહારન- 397
મુશીર ખાન - 360
હેરી ડિક્સન - 309
હ્યુગ વિબગેન- 304
સચિન ધાસ- 303
સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સૌમ્ય પાંડે બીજા સ્થાને
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરીએ તો સાઉથ આફ્રિકા ટીમનો ફાસ્ટ બોલર ક્વેના મફાકા 21 વિકેટ સાથે ટોપ પર છે. મફાકાએ ટુર્નામેન્ટ દરમિયાન બે વખત 5 વિકેટ અને એક ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારત સામેની સેમિફાઈનલમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 10 ઓવરના ક્વોટામાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. મફાકાને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ટોપ-5 વિકેટ લેનારા બોલરોની યાદીમાં એકમાત્ર ભારતીય નામ સૌમ્ય પાંડેનું છે, જેણે કુલ 18 વિકેટ લીધી હતી.
અંડર-19 વર્લ્ડકપ 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
ક્વેના મફાકા- 21 વિકેટ
સૌમ્ય પાંડે- 18
ઉબેદ શાહ- 18
તઝીમ અલી- 14
કેલમ વિડલર- 14