હૃદયમાં કાણું હોવાના કારણે થઈ સર્જરી, મેદાન પર પરત આવતા જ U19 વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીએ ફટકારી સેન્ચુરી
U-19 World Cup 2022, Yash Dhull Undergoes Heart Surgery : અંડર-19 વર્લ્ડકપ 2022 જીતવામાં ભારતનું નેતૃત્વ કરનાર કેપ્ટન યશ ધૂલનું જીવન ત્યારે ઉથલપાથલ થઈ ગયું હતું જ્યારે તેને તેના હૃદયમાં એક નાનું છિદ્ર જોવા મળ્યું હતું. નેશનલ ક્રિકેટ એકેડમી(NCA) ખાતે અંડર-23 હાઈ પરફોર્મન્સ કેમ્પ દરમિયાન નિયમિત સ્કેન દરમિયાન ધૂલના હૃદયમાં એક નાનું છિદ્ર જોવા મળ્યું હતું. જુલાઈમાં તેની સર્જરી થઈ હતી. અને હવે મેદાનમાં પરત ફરીને તેણે જોરદાર સદી ફટકારી હતી.
હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીમાં ગ્રૂપ-Dની મેચમાં પહેલી ઇનિંગમાં યશે અણનમ 105 રન બનાવ્યા હતા. તમિલનાડુએ 6 વિકેટ ગુમાવીને 674 રન કર્યા હતા. જેમાં જવાબમાં દિલ્લીની ટીમ 266 રન કરી સમેટાઈ ગઈ હતી. તમીલનાડુએ દિલ્લીને ફોલોઓન કર્યું હતું. આ વખતે પણ યશ પાસે સદીની અપેક્ષા રખાઈ રહી હતી. પરંતુ તે 6 બોલમાં 8 રન કરીને આઉટ થઇ ગયો હતો.
યશ સિવાય વિકેટકીપર પ્રણવ રાજવંશીએ 40 રન બનાવ્યા હતા. જયારે સનત સાંગવાને 36, હર્ષ ત્યાગીએ 35 રન કરીને પહેલી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. તમિલનાડુ માટે ઝડપી બોલર એમ. મોહમ્મદે 30 રન આપીને 2 વિકેટ, વોશિંગ્ટન સુંદરે 42 રન આપીને 2 વિકેટ અને ગુરજાપનીત સિંહે 48 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અને બેટિંગ કરતા તમિલનાડુ માટે સાઈ સુદર્શને 213, વોશિંગ્ટન સુંદરે 152 રન અને પ્રદોષ રંજન પોલે 117 રન કરી સદી ફટકારી હતી.
ઘરેલું ક્રિકેટમાં યશે 24 ફર્સ્ટ ક્લાસ, 19 લીસ્ટ-A અને 19 T20 મેચો રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 1620 રન, લીસ્ટ-Aમાં 588 રન બનાવ્યા છે. આ સિવાય તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. દિલ્લી કેપીટલ્સ તરફથી રમતા તેણે 4 મેચમાં 16 રન બનાવ્યા હતા.