રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનવાની રેસમાં ગુજરાતના બે ખેલાડી! 10 વર્ષ બાદ ઊભી થઈ આવી પરિસ્થિતિ
Jasprit Bumrah & Hardik Pandya ahead in captaincy race : ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલ નવા સંકટમાં ફસાયેલી જોવા મળી રહી છે. કારણ કે ભારતીય ટીમને નવા કેપ્ટનની જરૂર છે. પરંતુ તેના માટે યોગ્ય વિકલ્પનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ 10 વર્ષમાં પહેલીવાર ઉભી થઈ છે કે જ્યારે BCCIને કેપ્ટન પસંદ કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભારતે હવે જૂનમાં ઇંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં રોહિતનું રમવાનું નિશ્ચિત નથી. ત્યારે વર્તમાન કેપ્ટન રોહિત શર્મા 38 વર્ષનો થઈ ગયો હશે. આ સ્થિતિમાં BCCI નવા કેપ્ટનને આ સીરિઝમાં ટીમનું સુકાન સોંપે તો નવાઈ નહીં. જો BCCI આ દિશામાં આગળ વધે છે તો તેણે નવો કેપ્ટન પસંદ કરવો પડશે.
ભારતીય ટીમ કેપ્ટન અંગે અસમંજસમાં
રોહિત શર્મા ખરાબ ફોર્મના કારણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ તે રમી શક્યો ન હતો. ત્યારથી જ તેની નિવૃત્તિની અટકળો લાગી રહી છે. જો કે, હિટમેને સ્પષ્ટ કહ્યું છે કે, હું પુનરાગમન કરીશ. પરંતુ તે એટલું સરળ નહીં હોય. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ચક્ર માટે ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે જવા માંગે છે. જેથી કરીને ઓછામાં ઓછા આગામી બે વર્ષ સુધી ટીમના નેતૃત્ત્વ વિશે વિચારવું ન પડે.
કેપ્ટનશીપની રેસમાં બે ગુજરાતીનું નામ સૌથી આગળ
ટેસ્ટ ફોર્મેટમાં ટીમના કેપ્ટનના પદ માટે રેસમાં કુલ ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે. આમાં બે ગુજરાતી ખેલાડીઓનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જેમાં પહેલું નામ જસપ્રીત બુમરાહનું છે. આ નામ પર સર્વસંમતિ સાધવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ ભારતીય મેનેજમેન્ટ તેના પર વધારે વર્કલોડ ન પડે તેના કારણે તેને આ જવાબદારી આપવાનું ટાળવા માંગશે. બધાએ જોયું કે બુમરાહે ફિટનેસના કારણે સિડની ટેસ્ટ અધૂરી છોડી દીધી હતી.
બીજું નામ હાર્દિક પંડ્યાનું છે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે હાર્દિક પંડ્યા પાસેથી T20 ટીમની કેપ્ટનશીપ એ આધાર પર છીનવી લીધી હતી કે તે દરેક મેચમાં ઉપલબ્ધ રહેતો નથી. તેની ફિટનેસ શંકાના દાયરામાં છે. જેથી કરીને તેનો શાનદાર રેકોર્ડ હોવા છતાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં બુમરાહને ટેસ્ટ ટીમનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. હા, તેને ચોક્કસ સમય માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.
રિષભ પંત અને કેએલ રાહુલ પણ રેસમાં
જો બુમરાહને કેપ્ટન બનાવવામાં નહીં આવે તો કેએલ રાહુલ અને રિષભ પંત કેપ્ટનશીપની રેસમાં છે. કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. શક્ય છે કે જો રોહિત નહીં રમે તો ટીમ માટે ઓપનિંગ રાહુલ કરશે. આ સ્થિતિમાં તે કેપ્ટનશીપનો દાવેદાર પણ બની શકે છે. ત્રીજું નામ રિષભ પંતનું છે. યુવા ખેલાડી હોવાને કારણે તે નામ આ રેસ આગળ છે. પરંતુ ગાવસ્કરે જે રીતે મેલબોર્ન ટેસ્ટમાં પંતને ઠપકો આપ્યો હતો. તેનાથી લાગે છે કે તેણે પોતાની રમતમાં વધુ ગંભીરતા લાવવાની જરૂર છે. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે, પંતને એ સમજવાની જરૂર છે કે કયા સમયે કેવી રીતે રમવું. આ સ્થિતિમાં, શક્ય છે કે પસંદગીકારો પંતને અત્યારે નહિ પરંતુ એક કે બે વર્ષ પછી કેપ્ટનશીપ સોંપવા માંગે.
આ પણ વાંચો: આરામ નહીં મળે, ઘરેલુ મેચો રમવી પડશે... શું ગૌતમ ગંભીરનો આદેશ માનશે રોહિત અને કોહલી?
નવા કેપ્ટનની પસંદગી કરવી મુશ્કેલ
હાલમાં કેપ્ટનને લઈને જે સમસ્યા છે તેના કરતા અગાઉના બે કેપ્ટન ભારતીય ટીમને ખૂબ જ સરળતાથી મળી ગયા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ્યારે એમએસ ધોનીએ સીરિઝની મધ્યમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારે બધાને ખબર હતી કે, ટીમનો આગામી કેપ્ટન વિરાટ કોહલી બનશે. એ જ રીતે જ્યારે કોહલી પાસેથી કેપ્ટનશી છીનવાઈ હતી. ત્યારે બધાને ખબર હતી કે આગામી કેપ્ટન રોહિત શર્મા હશે. આ વખતે પણ રોહિતની જગ્યાએ જસપ્રીત બુમરાહ પહેલી પસંદગી છે. પરંતુ તેના પર વધુ જવાબદારી નાખવી જોખમી બની શકે છે. આ જ કારણ છે કે BCCI માટે નવા કેપ્ટનની પસંદગી કરવી મુશ્કેલ બની શકે છે.