ટ્રેવિસ હેડે બુમરાહને રેગ્યુલર બોલરની જેમ જ ટ્રીટ કર્યો...', ટીમ ઈન્ડિયાના વિવાદિત પૂર્વ કોચનું નિવેદન
Greg Chappell On Travis Head : ઓસ્ટ્રેલિયામાં હાલ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટર ગ્રેગ ચેપલે પોતાની વાત કહી છે. અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝ નહિ પરંતુ ભારત વિરુદ્ધ ટ્રેવિસ હેડ અને જસપ્રિત બુમરાહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની સીરિઝ ચાલી રહી છે. આ બંને ખેલાડીઓ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જો કે, ટ્રેવિસ હેડનો તોડ જસપ્રિત બુમરાહ પાસે નથી. ત્યારે હવે ગ્રેગ ચેપલે કહ્યું હતું કે, હેડે બુમરાહ સાથે એવું વર્તન કર્યું છે કે જાણે તે કોઈ સામાન્ય બોલર હોય.
ટ્રેવિસ હેડ વિરુદ્ધ જસપ્રિત બુમરાહ
આ સીરિઝમાં ત્યાર સુધીમાં ટ્રેવિસ હેડ 3 મેચમાં 409 રન બનાવી ચૂક્યો છે. જ્યારે બુમરાહે ત્રણ ટેસ્ટ મેચમાં 21 વિકેટ ઝડપી હતી. ગ્રેગ ચેપલે કહ્યું હતું કે, 'જસપ્રિત બુમરાહ સામે ટ્રેવિસ હેડનું પ્રદર્શન આ સીરિઝમાં તેનું આ નિર્ભય વલણ દર્શાવે છે. જ્યાં મોટાભાગના બેટરો બુમરાહની બોલિંગથી બચવા માટે સંઘર્ષ કરતા હોય છે, ત્યારે ટ્રેવિસ હેડે બુમરાહને રેગ્યુલર બોલરની જેમ જ ટ્રીટ કર્યો હતો.'
શું કહ્યું ચેપલે?
જસપ્રિત બુમરાહે ટ્રેવિસ હેડને આ સીરિઝમાં બે વખત આઉટ કર્યો હતો. હેડે સીરિઝ દરમિયાન બે સદી ફટકારી છે અને પર્થમાં તેણે 89 રનની ઇનિંગ રમી હતી. ચેપલે કહ્યું કે, 'હેડના આક્રમક વલણથી બુમરાહ પરેશાન છે. ઈરાદા સાથે રમીને બુમરાહના બોલ પર રન બનાવવાનો પ્રયાસ કરીને હેડે તેના માટે માત્ર ખતરો ઓછો કર્યો નથી, પરંતુ બુમરાહની લયને પણ બગાડી હતી. શોર્ટ બોલ પર શાનદાર શોટ મારીને અને ફુલ લેન્થ બોલને ચોકસાઈથી રમીને હેડે પોતાની પ્રગતિને રેખાંકિત કરી છે.'
ઓસ્ટ્રેલિયન ટીમનો આગામી કેપ્ટન બની શકે છે હેડ
ભવિષ્યવાણી કરીને ગ્રેગ ચેપલે કહ્યું હતું કે, હેડ ઓસ્ટ્રેલિયન ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી તે જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યો છે. તેને જોતા ભવિષ્યમાં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. મારું માનવું છે કે ટ્રેવિસ હેડ છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સુધાર કરનાર બેટર છે અને તેના કારણે જ તેની આગામી સમયમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન બનવાની તકો વધુ મજબૂત બને છે.'