ટ્રેવિસ હેડે કરોડો ભારતીયોનું અપમાન કર્યું, કડક સજા આપો: 'અભદ્ર સેલિબ્રેશન' પર ભડક્યા સિદ્ધુ
Image: Facebook
Travis Head Celebration Controversy: ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સીરિઝની ચોથી મેચમાં 184 રનથી હારી ગઈ. આ હાર બાદ ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ થઈ ગઈ અને તેણે હવે સિડની ટેસ્ટ દરેક સ્થિતિમાં જીતવી પડશે. મેલબોર્નમાં મેચના અંતિમ દિવસે એક વિવાદિત ઘટના જોવા મળી, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.
હેડે અજીબરીતે કરી ઉજવણી
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ટ્રેવિસ હેડે ઋષભ પંતની વિકેટ લીધા બાદ અજીબ રીતે ઉજવણી કરી. પંત શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ પાર્ટ ટાઇમ સ્પિનર હેડના આવ્યા બાદ તેણે સિક્સર મારવાનો પ્રયત્ન કર્યો. મિચેલ માર્શે બાઉન્ડ્રી પર પંતનો કેચ લઈ લીધો. તે બાદ હેડે અજીબરીતે ઉજવણી કરી. સોશિયલ મીડિયા પર તાત્કાલિક તેની ચર્ચા થવા લાગી અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ તો તેના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી દીધી.
નવજોત સિંહ સિદ્ધુએ રોષ ઠાલવ્યો
ભારત માટે 51 ટેસ્ટ અને 136 વનડે મેચ રમનાર સિદ્ધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો રોષ ઠાલવ્યો. સિદ્ધુએ લખ્યું, 'મેલબોર્ન ટેસ્ટ દરમિયાન ટ્રેવિસ હેડનો અપ્રિય વ્યવહાર સજ્જનોની રમત માટે સારો નથી. આ સૌથી ખરાબ ઉદાહરણ રજૂ કરે છે, જ્યારે બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મેચ જોઈ રહ્યા હોય. આ વર્તને કોઈ વ્યક્તિનું નહીં પરંતુ 1.5 અબજ ભારતીયોના રાષ્ટ્રનું અપમાન કર્યું છે. તેને આકરી સજા આપવી જોઈએ જે ભવિષ્યની પેઢીઓ માટે એક બોધપાઠ તરીકે કામ કરશે, જેથી કોઈ પણ આવું કરવાની હિંમત ન કરી શકે.'
આ પણ વાંચો: પંતની વિકેટ બાદ ટ્રેવિસ હેડે કર્યા અભદ્ર ઈશારા? પેટ કમિન્સે કરવી પડી સ્પષ્ટતા
પેટ કમિન્સે કરી સેલિબ્રેશનની સ્પષ્ટતા
આ જશ્નએ સિદ્ધુની જેમ ઘણા ભારતીયોને પરેશાન કરી દીધા પરંતુ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે એક રિપોર્ટરે ઓસ્ટ્રેલિયન કૅપ્ટન પેટ કમિન્સને સેલિબ્રેશનનું કારણ પૂછ્યું તો તેણે તેનો જવાબ આપ્યો કે, 'તેની (હેડ) આંગળીઓ એટલી ગરમ થઈ ગઈ હતી કે તેને આંગળીઓને બરફના પાણીમાં નાખવી પડી. બસ આટલી જ વાત હતી. આ એક એવી મજાક છે જે અમે કરતાં જ રહીએ છીએ. ગાબા અને અન્ય ટેસ્ટમાં પણ તેણે વિકેટ લીધી અને પછી તરત જ ફ્રીજ સુધી ગયો, બરફ કાઢ્યો અને પોતાની આંગળી તેમાં નાખી દીધી અને પછી નાથન લિયન પાસે જઈને ઊભો રહી ગયો. તેને લાગ્યું કે આ ખૂબ જ ફની છે. બસ આટલી જ વાત હતી.'