પંતની વિકેટ બાદ ટ્રેવિસ હેડે કર્યા અભદ્ર ઈશારા? પેટ કમિન્સે કરવી પડી સ્પષ્ટતા
Pat Cummins Explains Travis Head Viral Celebration: મેલબોર્ન ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમનો અહીં 184 રનથી પરાજય થયો હતો. આ હાર બાદ ચાહકો ખૂબ જ નિરાશ છે, પરંતુ આ પહેલા આ જ ચાહકો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ટ્રેવિસ હેડ પર નારાજ હતા. અને આ નારાજગીનું કારણ હેડનું સેલિબ્રેશન હતું.
ઋષભ પંતની વિકેટ લીધા બાદ હેડે સેલિબ્રેશન કર્યું
ઘટના એમ છે કે, ઋષભ પંતની વિકેટ લીધા બાદ હેડે જે સેલિબ્રેશન કર્યું તેણે લોકોને ગુસ્સે અપાવી દીધો હતો. આ વાત ભારતની બીજી ઇનિંગની લગભગ 59મી ઓવરની છે. માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઋષભ પંતે યશસ્વી જયસ્વાલ સાથે મળીને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. બંને વચ્ચેની ભાગીદારી 100 રનની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારે જ કમિન્સે ત્રીજી સેશનની શરૂઆત ટ્રેવિસ હેડથી કરાવવાનો દાવ ખેલ્યો.
ઋષભ પંત ખૂબ જ ધૈર્ય સાથે બેટિંગ કરી રહ્યો હતો મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે કેટલી ધીરજ બતાવી તેનો અંદાજ તેના 28.85ના સ્ટ્રાઈક રેટ પરથી લગાવી શકાય છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટ્રેવિસ હેડ પાસે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે 59મી ઓવર હતી જ્યારે પંત ચોથા બોલ પર પોતાના પર કંટ્રોલ ન કરી શક્યો અને મોટો શોટ ફટકાર્યો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર છગ્ગો ફટકારવો સરળ નથી તેથી બોલ સીધો મિચેલ માર્શના હાથમાં ગયો. પંત 104 બોલ પર 30 રન બનાવીને આઉટ થઈ ગયો. 121ના ટોટલ પર પડેલી આ વિકેટનો જશ્ન ટ્રેવિસ હેડે કંઈક અવગ જ રીતે મનાવ્યો. તેણે પોતાના એક હાથને વાળીને ઊંડા પાત્ર જેવું બનાવ્યું અને બીજા હાથની આંગળી અનેક વખત તેમાં નાખી.
હેડના આ સેલિબ્રેશન પર જાત-ભાતની ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકો તેને ગોલ્ફ સાથે જોડી રહ્યા છે. કારણ કે હેડ ઘણો ગોલ્ફ રમે છે. તો ઘણા લોકો તેને અભદ્ર ઈશારો ગણાવી રહ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ થોડા સમય પછી ખબર પડી કે આ સેલિબ્રેશન પાછળ એક જૂનો કિસ્સો છે. અને હેડે આ સેલિબ્રેશનની સ્ટોરી પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ સ્ટોરીમાં હેડ પોતાની એ જ આંગળીને બરફથી ભરેલા ગ્લાસમાં નાખતો દેખાય રહ્યો છે.
પેટ કમિન્સે કરવી પડી સ્પષ્ટતા
મેચ ખતમ થયા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ આ અંગે સવાલ કરવામાં આવ્યો. જવાબમાં પહેલા તો કમિન્સે કહ્યું કે, મેં ટ્રેવિસ હેડનું સેલિબ્રેશન નથી જોયું, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના મીડિયા મેનેજરે તેને હેડના સેલિબ્રેશન અંગે જણાવ્યું તો કમિન્સે કહ્યું કે, ઓકે બરાબર. હું તમને સમજાવું છું. 'આ કોઈ અભદ્ર ઈશારો નહોતો પરંતુ તે એવું કહેવા માંગતો હતો કે, મારી આંગળીઓ ખૂબ ગરમ છે, મારે તેને બરફ ભરેલા કપમાં રાખવી પડશે. બસ આટલી જ વાત હતી. આ એક એવો મજાક છે જે અમે કરતા જ રહીએ છીએ. ગાબા અને અન્ય ટેસ્ટમાં પણ તેણે વિકેટ ખેરવી અને પછી તરત જ ફ્રીજ સુધી ગયો, બરફ કાઢ્યો અને પોતાની આંગળી તેમાં નાખી દીધી અને પછી નેથન લોયન પાસે જઈને ઊભો રહી ગયો. તેને લાગ્યું કે આ ખૂબ જ ફની છે. બસ આટલી જ વાત હતી.'
તમને જણાવી દઈએ કે, હેડે આ સીરિઝમાં સૌથી વધુ રન પણ બનાવ્યા છે. ચાર ટેસ્ટ બાદ તેના નામે 410 રન છે. જેમાં બે સદી પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા હવે સીરિઝમાં 2-1થી આગળ છે. સીરિઝની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.