વર્લ્ડ કપ ફાઈનલના આ મેચવિનર ખેલાડીને મળ્યો મોટો એવોર્ડ, આવું કરનાર બીજો ઓસ્ટ્રેલિયન પ્લેયર બન્યો
ICCએ નવેમ્બર 2023 માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા હતા
Image:FilePhoto |
ICC Player Of The Month Travis Head : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી જીત અપાવી હતી. હેડે ફાઈનલ મેચમાં 120 બોલમાં 137 રન બનાવ્યા હતા. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. હવે ICCની તરફથી હેડને વધુ એક એવોર્ડ મળ્યો છે. ICCએ ટ્રેવિસ હેડને નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કર્યો છે.
A #CWC23 hero has been crowned the ICC Men’s Player of the Month for November 2023 🔥
— ICC (@ICC) December 11, 2023
શમી અને મેકસવેલ પણ થયા હતા નોમિનેટ
ICCએ નવેમ્બર 2023 માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા હતા. જેમાં ટ્રેવિસ હેડ, ગ્લેન મેકસવેલ અને ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ હતું. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારી હતી, જયારે મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. હેડ શમી અને મેકસવેલથી આગળ નીકળી ગયો છે.
આ એવોર્ડનો શ્રેય પેટ કમિન્સ, સાથી ખેલાડીઓ અને સ્ટાફને જાય છે - હેડ
એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં હેડે કહ્યું, 'છેલ્લા 12 મહિના અદ્ભુત રહ્યા છે, જેનો ભાગ બનવું એ ખરેખર એક સૌભાગ્યની વાત છે. અમે ડોમેસ્ટિક સિઝનમાં જે રીતે રમ્યા, તેનો શ્રેય પેટ કમિન્સ, સાથી ખેલાડીઓ અને સ્ટાફને જાય છે. હું નસીબદાર હતો કે મારો હાથ તૂટ્યા પછી પણ તેને વર્લ્ડ કપ માટે મારા પર વિશ્વાસ હતો.' ટ્રેવિસ હેડે વધુમાં કહ્યું, 'મને લાગ્યું કે મેં અત્યાર સુધી જેટલી બેટિંગ કરી છે તેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્લ્ડ કપમાં હતું. કદાચ દરેક ટુર્નામેન્ટ પહેલા આરામ કરવો જરૂરી છે. આ એવોર્ડથી સન્માનિત થવું ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ તે એક આખી ટીમનું પ્રયાસ છે. મારા સાથીદારો વિના આ શક્ય બન્યું ન હોત. તેથી આ પ્રકારના એવોર્ડ તેમના માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા મારા માટે છે.'
આ એવોર્ડ મેળવનાર બીજો ઓસ્ટ્રેલિયન પુરુષ ખેલાડી બન્યો હેડ
ટ્રેવિસ હેડ બીજો ઓસ્ટ્રેલિયન પુરુષ ખેલાડી છે જેને ICC દ્વારા 'પ્લેયર ઓફ ધ મંથ' જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલા ડેવિડ વોર્નરે નવેમ્બર 2021માં આ એવોર્ડ જીત્યો હતો. ટ્રેવિસ હેડે ODI World Cup 2023ની 6 મેચોમાં 54.83ની એવરેજ અને 127.51ની સ્ટ્રાઈક રેટથી 329 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તેણે 64 વનડે મેચોમાં 42.73ની એવરેજથી 2393 રન બનાવ્યા છે.