IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ: ટોપ 10માં હવે પાંચ ભારતીય
Top 10 Most Expensive Players In IPL Auction: IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ IPL 2025ના મેગા ઓક્શન બાદ અપડેટ કરવામાં આવ્યું છે. હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં ભારતીય ખેલાડીઓનો જલવો જોવા મળી રહ્યો છે. IPL 2024ની સીઝન સુધી ટોપ 10 ખેલાડીઓમાં માત્ર બે ખેલાડી ભારતીય હતા, પરંતુ હવે આ યાદીમાં 5 ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આટલું જ નહીં, IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ હવે ભારતીય જ છે. ટોપ પર જ નહીં પરંતુ નંબર 2 પર પણ ભારતીય ખેલાડીનું જ નામ છે.
સૌથી મોંઘા ખેલાડીઓમાં ઋષભ પંત ટોપ પર
IPL ઓક્શનમાં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓમાં ઋષભ પંત ટોપ પર છે, જેને 2025ના મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે રૂ. 27 કરોડમાં ખરીદ્યો છે. જોકે, ઓક્શનમાં રૂ. 25 કરોડની બોલી પાર કરનાર પ્રથમ ખેલાડી શ્રેયસ અય્યર હતો. તેને પંજાબ કિંગ્સે આ જ સિઝનમાં 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે હવે બીજા નંબર પર છે. ઋષભ પંતે તેને થોડા જ સમયમાં પાછળ છોડી દીધો હતો. બીજી તરફ ગત સિઝનમાં 24.75 કરોડ રૂપિયામાં વેચાયેલ મિચેલ સ્ટાર્ક 2024 સુધી IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી હતો, પરંતુ હવે તે ત્રીજા નંબર પર છે.
આ પણ વાંચો: પંત 27 કરોડ સાથે IPL સૌથી મોંઘો ખેલાડી
ચોથા નંબર પર વેંકટેશ અય્યર
આ લિસ્ટમાં ચોથા નંબર પર વેંકટેશ અય્યરનું નામ છે. આ ભારતીય ઓલરાઉન્ડરને કોલકાતા નાઈટ રાઈડર્સે આ વખતે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પાંચમા નંબર પર પેટ કમિન્સ છે, જેને SRH દ્વારા ગત સિઝનમાં રૂ. 20.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. છઠ્ઠા નંબર પર સેમ કરન છે, જેને પંજાબ કિંગ્સે 2023માં 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ આ સિઝનમાં પંજાબ કિંગ્સે 18-18 કરોડ રૂપિયામાં 2 ખેલાડીઓ ખરીદ્યા છે. તેમાંથી એક અર્શદીપ સિંહ અને બીજો યુઝવેન્દ્ર ચહલ છે, જે 7માં અને 8માં નંબર પર છે. કેમેરોન ગ્રીન 17.50 કરોડ રૂપિયા સાથે 9માં નંબર પર છે અને છેલ્લું નામ બેન સ્ટોક્સનું છે, જેને 2023માં 16.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ
1. ઋષભ પંત- 27 કરોડ- લખનઉ સુપર જાયન્ટ્સ-2025
2. શ્રેયસ અય્યર - 26.75 કરોડ - પંજાબ કિંગ્સ - 2025
3. મિચેલ સ્ટાર્ક - 24.75 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ - 2024
4. વેંકટેશ ઐયર - 23.75 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ - 2025
5. પેટ કમિન્સ - 20.50 કરોડ - સનરાઈઝર્સ હૈદરાબાદ - 2024
6. સેમ કરન - 18.50 કરોડ - પંજાબ કિંગ્સ - 2023
7. અર્શદીપ સિંહ - 18 કરોડ - પંજાબ કિંગ્સ - 2025
8. યુઝવેન્દ્ર ચહલ - 18 કરોડ - પંજાબ કિંગ્સ - 2025
9. કેમેરોન ગ્રીન - 17.50 કરોડ - મુંબઈ ઈન્ડિયન્સ - 2023
10. બેન સ્ટોક્સ - 16.25 કરોડ - ચેન્નાઈ સુપર કિંગ્સ - 2023