Get The App

ભારતીય હોકી ટીમનો આર્જેન્ટીના સામે ૩-૧થી વિજય : ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત

- વરૃણ કુમાર, વિવેક પ્રસાદ અને હરમનપ્રીતે ગોલ ફટકાર્યા

- ભારત ગૂ્રપમાં બીજા સ્થાને : આજે જાપાન સામે મુકાબલો

Updated: Jul 29th, 2021


Google NewsGoogle News
ભારતીય હોકી ટીમનો આર્જેન્ટીના સામે ૩-૧થી વિજય : ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત 1 - image


ટોક્યો, તા.૨૯

ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકની ગૂ્રપ મેચમાં ત્રીજો વિજય મેળવતા આર્જેન્ટીનાને ૩-૧થી પરાસ્ત કર્યું હતુ. ભારતે આ સાથે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પછી બીજું સ્થાન હાંસલ કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ભારતીય મેન્સ ટીમ આવતીકાલે તેની પાંચમી અને આખરી લીગ મેચમાં યજમાન જાપાન સામે ટકરાશે. જે હજુ એક પણ મેચ જીતી શક્યું નથી. 

ટોક્યોના ઓઆઇ હોકી સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં ભારતે આર્જેન્ટીના સામે ભારે આત્મવિશ્વાસ સાથે શરૃઆત કરી હતી.  શરૃઆતમાં બંને ટીમોએ સરક્ષણાત્મક અભિગમ અપનાવ્યો હતો અને એકબીજાના ગોલ ફટકારવાના આક્રમણોને નિષ્ફળ બનાવ્યા હતા. વરૃણ કુમારે મેચનો સૌપ્રથમ ગોલ ૪૩મી મિનિટે ફટકાર્યો હતો અને ભારતને ૧-૦થી સરસાઈ અપાવી હતી. આર્જેન્ટીનાએ ત્યાર બાદ તેની રમત વધુ આક્રમક બનાવી હતી અને પાંચ જ મિનિટ પછી માઈકો કાસેલાના ગોલને સહારે બરોબરી મેળવી લીધી હતી. 

મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી અને આખરી બે મિનિટનો સમય બાકી હતો, ત્યારે વિવેક પ્રસાદ અને હરમનપ્રીત સિંઘે ગોલ ફટકારતાં ભારતને ૩-૧થી રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારતે અગાઉ સ્પેનને ૩-૦થી અને ન્યૂઝિલેન્ડને ૩-૨થી હરાવ્યું હતુ. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ૧-૭થી પરાજય થયો હતો.


Google NewsGoogle News