આજે સુપર સન્ડે : ભારત વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન સાકાર કરવા સજ્જ
- અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત ત્રીજી વખત ચેમ્પિયન બનશે તેવો ચાહકોમાં વિશ્વાસ
- ભારત આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી, સળંગ દસ મેચ જીત્યું છે : 1.30 લાખ પ્રેક્ષકોની હાજરીમાં રોચક જંગ : દેશના અબજથી વધુ ચાહકોને મુકાબલાનો ઈંતેજાર
- પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો બે મેચમાં પરાજય બાદ છેલ્લી આઠ મેચમાં વિજય
- મેચનો બપોરે 2.00થી પ્રારંભ
અમદાવાદ : જેનો ક્રિકેટ ચાહકોને ઘણા લાંબા અરસાથી ઈંતજાર હતો તે ઘડી હવે આવી ચૂકી છે. ભારત આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧.૩૦ લાખ પ્રેક્ષકોની હાજરી તેમજ એક અબજથી વધુ ટીવી-ઓટીટી દર્શકોની સામે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઈનલનો જંગ ખેલશે. બપોરે ૨.૦૦ થી મેચનો પ્રારંભ થશે અને રાત્રિ સુધીમાં તો વર્લ્ડ કપનો તાજ કોના શીર પર જાય છે તે નક્કી થઈ ગયું હશે.
ભારત આમ જુઓ તો વર્લ્ડ કપની ફાઈનલમાં જ ૧૨ વર્ષ પછી પ્રવેશ્યું છે. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં શ્રીલંકાને પરાજય આપી વર્લ્ડ કપ જીત્યો હતો. તે અગાઉ છેક ૨૦૦૩માં ભારત ફાઈનલમાં પ્રવેશ્યું હતું પણ જોગાનુજોગ ઓસ્ટ્રેલિયા સામે જ હાર્યું હતું. હવે ભારતને બદલો લેવાની તક છે.
ભારત ૧૯૭૫માં રમાયેલ સૌ પ્રથમ વર્લ્ડ કપથી અત્યાર સુધીમાં એટલે કે ૪૮ વર્ષમાં બે જ વખત વર્લ્ડકપ જીત્યું છે. ૧૯૭૫માં કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ અને તે પછી છેક ૨૦૧૧માં એટલે કે ૩૬ વર્ષ પછી ૨૦૧૧માં ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ જીત્યો છે. હવે આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે.
ભારત આ વર્લ્ડકપની એક માત્ર ટીમ છે જે હજુ સુધી એકપણ મેચમાં હારી નથી. નવ લીગ મેચ અને તે પછી સેમીફાઈનલમાં એમ સળંગ ૧૦ વિજય તેઓએ મેળવ્યા છે.
તેની સામે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ બે લીગ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો પણ તે પછી અન્ય સાત લીગ મેચ અને સેમીફાઈનલ એમ સળંગ આઠ મેચ તેઓ જીત્યા છે.
જોકે ભારતે જે દસ વિજય મેળવ્યા છે તેમાં તેઓએ હરિફ ટીમને મોટા સ્કોર હેઠળ કે પછી બોલરોના તરખાટ સાથે કચડી નાંખતો પરાજય આપ્યો છે.
ભારતના બેટ્સમેન કોહલી, રોહિત શર્મા, ગીલ, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલ તમામ ફોર્મમાં છે. જ્યારે ભારતે તેના ક્રિકેટ ઈતિહાસમાં આ હદે ઘાતક અને સમતોલ બોલિંગ નથી જોઈ તેમ વિવેચકો કહે છે. એક પછી એક તરખાટ મચાવતા વિજયી બોલિંગ દેખાવ કર્યો છે. હરિફ ટીમ તેની બોલિંગમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. બુમરાહ અને સિરાજ કંઈક વિશેષ કારનામા બતાવે તે પહેલાં જ શમીએ સપાટો બોલાવી દીધો હોય છે.
સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદિપ યાદવ બેટ્સમેન હેરત પામી જાય તેમ વિકેટ ઝડપે છે. જ્યારે રવીન્દ્ર જાડેજા હંમેશા ગેમ ચેન્જર ઓલરાઉન્ડર પૂરવાર થયો છે. પુરી ૫૦ ઓવર આમ હરિફ ટીમનો શ્વાસ અધ્ધર જ રહે છે.
સૂર્યકુમાર યાદવ હજુ ખાસ ઝળકવાની તક નથી મેળવી શક્યો કેમ કે તેને મોટેભાગે સાવ આખરી ઓવરોમાં જ રમવાનું આવે છે અને ભારત મોટો સ્કોર બનાવી ચૂક્યું હોય છે. પણ જો ફાઈનલમાં તેના પર જવાબદારી આવે તો એકલે હાથે રમત તેના ખભા પર લેવાની તે ક્ષમતા ધરાવે છે.
એવું મનાતું હતું કે ફાઈનલમાં જો ભારતને ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો કરવાનો આવશે તો અન્ય કોઈપણ ટીમ કરતા તેઓ સૌથી ભયજનક પૂરવાર થશે અને બન્યું છે પણ એવું કે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલ ઓસ્ટ્રેલિયા જ કમિન્સની કેપ્ટન્સી હેઠળ છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતવા માટે બેતાબ બન્યું છે. ભારતે લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ટોચના ત્રણ બેટ્સમેન વોર્નર, હેડ અને માર્શ વિસ્ફોટક બેટિંગ કરે છે. સ્મિથ અને લાબુશેન ઈનિંગને સ્થિરતા આપે છે અને તે પછી રન રેટને રોકેટ ગતિએ વધારવા હોય ત્યારે મેક્સવેલ અને વિકેટકીપર બેટ્સમેન ઈંગ્લિસ છે.
કમિન્સ અને ઝામ્પા પણ રક્ષણાત્મક કે આક્રમક બેટિંગ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા પાસે સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ જેવા ઘાતક બોલર છે. જો પીચ સ્પિનરોને મદદ કરી હશે તો ઝામ્પા આ વર્લ્ડકપનો સફળ સ્પિનર છે. મેક્સવેલ પણ ૧૦ ઓવરનો ક્વોટા પૂરો કરે છે.
સેમી ફાઈનલમાં તો ટ્રાવિસ હેડ પણ બે કિંમતી વિકેટ બે બોલમાં ઝડપીને મેચમાં ફરી ઓસ્ટ્રેલિયાની પકડ જમાવવામાં સહાયક બન્યો હતો.
ભારત ચેમ્પિયન બનશે જ તેવી આશા સાથે દેશભરમાં ચાહકો પ્રાર્થના, યજ્ઞાો કરી રહ્યાં છે. ફટકડા તૈયાર રાખીને સરઘસ નીકળવા પણ સજ્જ છે... વેઈટ એન્ડ વોચ...
ઓસ્ટ્રેલિયન કેપ્ટને આત્મવિશ્વાસની ઝલક આપી
કમિન્સનો હૂંકાર : 1.30 લાખ પ્રેક્ષકોને મૌન કરવાના સંતોષથી વધુ બીજું કંઈ નથી
- કમિન્સે મીડિયા સાથેની વાતચીતમાં ફાઈનલમાં પ્રેક્ષકો પર પ્રભાવ પાડવા તૈયાર હોવાની કોમેન્ટ કરી
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવતીકાલે રમાનારી આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે આશરે ૧.૩૨ લાખ પ્રેક્ષકો ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધરાશે. સ્ટેડિયમ ટીમ ઈન્ડિયાની 'બ્લૂ' જર્સીના રંગમાં રંગાઈ જશે, તે નક્કી લાગી રહ્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સે પણ આત્મવિશ્વાસ બતાવતા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રમતમાં તો મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને મૌન કરી દેવાથી મળતા સંતોષથી વધુ બીજું કંઈ નથી. અમે આવતીકાલે આવું જ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ. કમિન્સે કહ્યું કે, તમારે ફાઈનલની દરેક પળને ઉત્સાહની સાથે સ્વીકારી લેવાની હોય છે. હજ્જારો પ્રેક્ષકોની હાજરીને કારણે ખુબ જ શોરબકોર થશે. આ બધા વચ્ચે વાતાવરણ તમારા પર હાવી થઈ ના જાય તે પણ ધ્યાન રાખવું પડશે. તેના માટે સજ્જ રહેવું અને તેને સ્વીકારવું રહ્યું. આ ઉપરાંત જે પણ થાય તેને સહર્ષ સ્વીકારવાની સાથે એવી રીતે પરિણામ સુધી પહોંચવાનું છે, કે જેનાથી આખરે કોઈ પ્રકારનો ખેદ ના રહે.
હજ્જારો પ્રેક્ષકો વચ્ચે અગાઉ રમ્યા છીએ
કમિન્સે કહ્યું કે, અમે અગાઉ પણ ભારતમાં રમી ચૂક્યા છીએ. પ્રેક્ષકોથી છલોછલ ભરેલા સ્ટેડિયમોમાં ખુબ જ અવાજ થતો હોય છે. જોકે આવતીકાલની મેચમાં અમારા અત્યાર સુધીના અનુભવ કરતાં ઘણી મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી જોવા મળશેે તેવી અપેક્ષા છે. આ પરિસ્થિતિ અમારા માટે સાવ અજાણી તો નથી જ. દરેક ખેલાડી પ્રેક્ષકોના દબાણને પોતપોતાની રીતે દૂર કરવાની કોશીશ કરે છે. તમે જુઓ તો વોર્નર ડાન્સ કરીને પ્રેક્ષકોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરે છે. અન્ય ખેલાડીઓ પણ તેમની રીતે પ્રેક્ષકો સાથે સંપર્ક બનાવવાની કોશીશ કરતા હોય છેે.
બરોબરીનો મુકાબલો
કમિન્સે કહ્યું કે, આવતીકાલનો મુકાબલો બરોબરીનો રહેશે. અમારા માટે આવકારદાયક બાબત એ છે કે, અમારી ટીમમાં છ કે સાત ખેલાડીઓ એવા છે કે, જેઓ ૨૦૧૫માં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છે. તો અમને તેનો અહેસાસ છે. અન્ય ખેલાડીઓ ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમમાં પણ સામેલ હતા. આમ મોટા મુકાબલા ખેલવાનો અનુભવ અમારી ટીમના લગભગ મોટાભાગના ખેલાડીઓને છે.
વર્લ્ડ કપના ચેમ્પિયનને રૂ. 33.3 કરોડ અને રનર અપને રૂ. 16.7 કરોડનું ઈનામ
આઇસીસી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ટીમને રોકડ ઈનામ તરીકે કુલ મળીને આશરે ૩૩.૩ કરોડથી પણ વધુ રૂપિયા મળશે. આઇસીસીની જાહેરાત અનુસાર ચેમ્પિયન ટીમને કુલ મળીને ૪૦ લાખ ડોલર આપવામાં આવશે. જ્યારે રનરઅપ ટીમને અંદાજે ૧૬.૭ કરોડ રૂપિયા જેટલી રકમ મળશે. જે અમેરિકન ડોલરમાં ૨૦ લાખ છે. વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ એક કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા ૮૩.૨૯ કરોડ છે. સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાયેલી ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમને ૮-૮ લાખ અમેરિકન ડોલર એટલે કે રૂપિયા ૬.૬૬ કરોડ આપવામાં આવશે. ગૂ્રપ સ્ટેજમાં હારીને બહાર ફેકાયેલી ટીમોને પણ ૧-૧ લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે ૮૩.૨૯ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
વર્લ્ડકપના ટોચના સ્ટાર ખેલાડીઓ
ભારત
કોહલી : ૧૦ ઈનિંગમાં ૭૧૧ રન
રોહિત : ૧૦ ઈનિંગમાં ૫૫૦ રન
ઐયર : ૧૦ ઈનિંગમાં ૫૨૬ રન
શમી : ૬ ઈનિંગમાં ૨૩ વિકેટ
બુમરાહ : ૧૦ ઈનિંગમાં ૧૮ વિકેટ
જાડેજા : ૧૦ ઈનિંગમાં ૧૬ વિકેટ
* આ વર્લ્ડ કપનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા
વોર્નર : ૧૦ ઈનિંગમાં ૫૨૮ રન
માર્શ : ૯ ઈનિંગમાં ૪૨૬ રન
મેક્સવેલ : ૮ ઈનિંગમાં ૩૯૮ રન
ઝામ્પા : ૧૦ ઈનિંગમાં ૨૨ વિકેટ
હેઝલવૂડ : ૧૦ ઈનિંગમાં ૧૪ વિકેટ
સ્ટાર્ક : ૯ ઈનિંગમાં ૧૩ વિકેટ
* આ વર્લ્ડ કપનો રેકોર્ડ