IPL 2024: આજે હૈદરાબાદના ધરખમ બેટરો સામે દિલ્હીના બોલરોની કસોટી, જુઓ કોનું પલડું ભારે
DC VS SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે ધરખમ બેટિંગ લાઈનઅપ ધરાવતી સનરાઈઝર્સ હૈદરાબાદ (sunrisers hyderabad)ની ટીમનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ (delhi capitals) સામે થશે. દિલ્હી કેપિટલ્સના બોલરોએ ગુજરાત સામે રમાયેલી છેલ્લી મેચમાં તરખાટ મચાવ્યો હતો. જોકે હૈદરાબાદની ઈન ફોર્મ બેટિંગ લાઈનઅપ સામે તેમની ખરી કસોટી થવાની છે.
દિલ્હીના હોમગ્રાઉન્ડ પર મેચ રમાશે
આજે દિલ્હી તેના હોમગ્રાઉન્ડ પર સિઝનની પ્રથમ મેચ રમવા જઈ રહ્યું છે, ત્યારે કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને ટીમની જીતની આશા છે. દિલ્હીની ટીમ છેલ્લી બે મેચ જીત્યું છે, જ્યારે હૈદરાબાદની ટીમ છેલ્લી ત્રણ મેચમાં વિજેતા બની ચૂકી છે. હવે આજે કોની વિજયકૂચ આગળ વધે છે, તે જોવાનું રહેશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
દિલ્હીના બોલરોની થશે કસોટી
દિલ્હી કેપિટલ્સની ટીમના બોલરોનો દેખાવ શરૂઆતમાં ચિંતાજનક રહ્યો હતો. જોકે છેલ્લે અમદાવાદમાં રમાયેલી મેચમાં તેમણે તરખાટ મચાવતા ગુજરાત ટાઈટન્સને 89માં જ ખખડાવી દીધું હતુ. આ અગાઉની મેચમાં પણ તેઓએ લખનઉને 167 સુધી સિમિત રાખ્યું હતુ. ખલીલ, કુલદીપ, ઈશાંત અને મુકેશે આગવી લય હાંસલ કરી છે. હવે તેમનો સામનો હૈદરાબાદના ટ્રાવિસ હેડ, ક્લાસેન, અભિષેક શર્મા, માર્કરામ અને સમદ જેવા ઈન ફોર્મ બેટરો સામે છે, જેઓએ છેલ્લી મેચમાં બેંગલુરુને આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ 287નો સ્કોર કરીને હરાવ્યું હતુ.
હૈદરાબાદ માટે વોર્નરની ફિટનેસ ચિંતાજનક
કમિન્સ (Pat Cummins)ના નેતૃત્વ હેઠળની હૈદરાબાદની બોલિંગ ચિંતાજનક રહી હતી. ભુવનેશ્વર, શાહબાઝ, નટરાજન અને માર્કન્ડે ખર્ચાળ સાબિત થયા છે. દિલ્હીની ટીમ વોર્નરની ફિટનેસને કારણે ચિંતા અનુભવી રહી છે. દિલ્હીના બેટ્સમેન શૉ, મૈકગર્ક, પોરલ, પંત, હોપ તેમજ સ્ટબ્સે બેટિંગમાં ચમકારો દેખાડ્યો છે.
દિલ્હીની સંભવિત ઈલેવન
પૃથ્વી શૉ, ફ્રેસર-મૈકગર્ક, પોરલ/ખલીલ, હોપ, પંત (C/WK), સુમિત, સ્ટબ્સ, અક્ષર, કુલદીપ, ઈશાંત, મુકેશ.
હૈદરાબાદની સંભવિત ઈલેવન
અભિષેક, હેડ/માર્કન્ડે, ક્લાસેન(WK), માર્કરામ, સમદ, શાહબાઝ, કમિન્સ (C), બી.કુમાર, ઉનડકટ, ટી.નટરાજન, નિતિશ રેડ્ડી.