88 મેચ... 6500થી વધુ રન..., છતા ટીમમાં ન મળી જગ્યા, ભારતીય ક્રિકેટરનું છલકાયું દર્દ, કહ્યું- હાર નહીં માનું
આ ટોપ ઓર્ડર બેટ્સમેનને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારત A ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે
ઈજાના કારણે તે વિજય હજારે ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે
Image:Instagram |
Abhimanyu Easwaran : ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો પહાડ બનાવનાર બંગાળનો અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન હજુ પણ ભારતીય ટીમમાં તેના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. ઇશ્વરન ભારત A માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને આશા છે કે તે જલ્દી સિનિયર નેશનલ ટીમમાં ડેબ્યૂ કરશે. આ 28 વર્ષીય ટોપ ઓર્ડર બેટ્સમેનને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારત A ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જો કે તે રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, કારણ કે ઈજાના કારણે તે વિજય હજારે ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ઇશ્વરનનું કહેવું છે કે તે આટલી જલ્દી હાર માનવાનો નથી.
88 મેચમાં 6500થી વધુ રન બનાવ્યા
અભિમન્યુ ઈશ્વરનએ ફર્સ્ટક્લાસ ક્રિકેટની 88 મેચમાં 6500થી વધુ રન બનાવ્યા છે. તેને WTC Final 2021 અને વર્ષ 2021માં ઇંગ્લેન્ડમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે સ્ટેન્ડ બોય તરીકે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અભિમન્યુએ કહ્યું કે, 'કોઈપણ ખેલાડીનું અંતિમ લક્ષ્ય દેશ માટે રમવું હોય છે. લોકો મને ભારતીય ક્રિકેટર કહે છે પરંતુ મેં હજુ સુધી ડેબ્યુ કર્યું નથી. આશા છે કે આ જલ્દી થશે.'
હાથમાં ઈજાના કારણે વિજય હજારે ટ્રોફી રમી શક્યો નહીં
અભિમન્યુ જમણા હાથમાં ઈજાના કારણે વિજય હજારે ટ્રોફી રમી શક્યો ન હતો. પરંતુ તેને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્લેઇંગ ઈલેવનમાં તેને તક તેની ફિટનેસના આધારે મળશે. અભિમન્યુએ એક ઈન્ટરવ્યુંમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'મારું એકમાત્ર સપનું દેશ માટે રમવાનું છે. હું સરળતાથી હાર માનીશ નહીં અને આ માટે મારા પ્રયત્નો ચાલુ રાખીશ. હું ખાતરી કરવા માંગુ છું કે હું હંમેશા આ માટે તૈયાર છું. મને આશા છે કે હું જલ્દી જ દેશ માટે રમીશ.'
અભિમન્યુ ઇશ્વરનનું ક્રિકેટિંગ કરિયર
અભિમન્યુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 88 મેચોમાં 6567 રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 26 ફિફ્ટી પણ સામેલ છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 47.24 હતી. તેણે 29 નવેમ્બરે રમાયેલી વિજય હજારે ટ્રોફીની મેચમાં મધ્યપ્રદેશ સામે 95 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા પણ સામેલ હતા. બંગાળે આ મેચ 193 રને જીતી લીધી હતી.