'મેં તો વિચાર્યું પણ નહોતું કે હું...' ભગવાન પછી આ વ્યક્તિનો આભાર માન્યો તિલક વર્માએ
Tilak Varma: ભારતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ 3-1થી જીતી લીધી છે. આ યુવા ટીમે સતત આક્રમક ક્રિકેટ રમી અને સિરીઝ સરળતાથી જીતી લીધી. તેમના બેટર હોય, સ્પિનરો હોય કે ફાસ્ટ બોલર હોય, દરેકનું સારું પ્રદર્શન હતું. જો કે, આ સિરીઝ ખાસ કરીને તિલક વર્મા, સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તી માટે જાણીતી હશે.
તિલક વર્માએ T20I સિરીઝમાં સતત બે સેન્ચુરી ફટકારી
ઈજા બાદ પરત ફરેલા તિલક વર્માએ સિરીઝમાં સતત બે સેન્ચુરી ફટકારી હતી. નિર્ણાયક મેચમાં તિલકે સંજુ સેમસન સાથે મળીને 210 રનની અણનમ રેકોર્ડ ભાગીદારી કરી હતી. તિલકે ધૂંઆધાર બેટિંગ કરીને અણનમ 120 રન બનાવ્યા. તેણે તેની બીજી T20I સેન્ચુરી 41 બોલમાં પૂરી કરી. તે T20I માં ભારત માટે બીજા સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો.
શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કાર મેળવ્યો
આ મેચમાં તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ મળ્યો છે. મેચ બાદ તિલકે કહ્યું, સતત બે સેન્ચુરી, તે અવિશ્વસનીય લાગણી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બે સેન્ચુરી ફટકારીશ, તે પણ સાઉથ આફ્રિકામાં. હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી. હું ભગવાન અને મારા કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર માનું છું. હું છેલ્લા કેટલાક મહિનાઓથી ઇજાગ્રસ્ત હતો અને બસ એક પ્રોસેસ પર વિશ્વાસ કરી રહ્યો હતો. જ્યારે મેં મારી સેન્ચુરી ફટકારી ત્યારે મેં ફક્ત ભગવાન તરફ ઈશારો કર્યો અને તેમનો આભાર માન્યો.'
આ પણ વાંચો: VIDEO : સંજુ સેમસનના છગ્ગાથી મહિલા દર્શક થઈ ઈજાગ્રસ્ત, ગાલ પર જઇને વાગ્યો બોલ
સૂર્યાની કપ્તાનીમાં ભારતે સતત ત્રણ સિરીઝ જીતી
છેલ્લી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. T20Iમાં સાઉથ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે. તેમજ જ્યારથી સૂર્યકુમાર યાદવને ફુલ ટાઈમ T20I ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારથી, સૂર્યાની કપ્તાનીમાં ભારતે સતત ત્રણ સિરીઝ જીતી છે.