વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યા ત્રણ ચાહકો, સ્ટેડિયમમાં અફરાતફરી: VIDEO
Ranji Trophy, Virat Kohli : રણજી ટ્રોફીની હાલની સિઝનમાં ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રમવા આવ્યો હતો. તેણે દિલ્હી અને રેલ્વે વચ્ચેની મેચમાં ભાગ લીધો હતો. જો કે આ મેચમાં કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ તેની ટીમે 19 રનથી આ મેચ જીતી લીધી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ દરમિયાન વિરાટ કોહલીની એક ઝલક મેવવવા માટે હજારોની સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. જેને લઈને વિરાટની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ચાહકોએ સુરક્ષા ઘેરો તોડી નાખ્યો હતો.
ત્રણ ચાહકો સિક્યુરિટી તોડીને કોહલી સુધી પહોંચી ગયા
હકીકતમાં, આ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. ત્રણ ચાહકો સિક્યુરિટી તોડીને મેદાનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના રેલ્વેની બીજી ઇનિંગ દરમિયાન બની હતી. 18મી ઓવરમાં ગૌતમ ગંભીર સ્ટેન્ડથી ત્રણ ચાહકો સિક્યુરિટી તોડીને કોહલી સુધી પહોંચી ગયા હતા. જેમાંથી એક ચાહક કોહલીના પગે પડી ગયો હતો. ત્યારબાદ તરત જ સિક્યોરિટીએ આ ત્રણ ચાહકોને પકડીને મેદાનની બહાર મોકલી દીધા હતા. આ ઘટના દરમિયાન અનેક પોલીસકર્મીઓ મેદાન પર પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.
અગાઉ પણ ચાહકે આવું કર્યું હતું
અહીં તમને જણાવી દઈએ કે, આ મેચની શરૂઆત 30ના રોજ થઇ હતી. આ મેચના પહેલા દિવસે જ એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને કોહલી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન કોહલી ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ત્યારે પણ ચાહકે કોહલીના પગને સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ તરત જ સિક્યુરિટી ગાર્ડ મેદાન પર પહોંચી ગયા હતા અને ચાહકને પકડીને મેદાનની બહાર કાઢ્યો હતો. જેને લઈને મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
દિલ્હીએ મેચ 19 રને જીતી લીધી
વિરાટ કોહલીને આ મેચની પહેલી ઇનિંગમાં બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર 15 બોલનો સામનો કરીને 6 રન કરીને આઉટ થઇ ગયો હતો. રેલ્વેના હિમાશું સાંગવાને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જો મેચની વાત કરીએ તો રેલ્વેની ટીમે પહેલા બેટિંગ કરતા 241 બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ પહેલી ઇનિંગમાં 374 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. પરંતુ ત્યારબાદ રેલ્વેની ટીમ 114 રન જ બનાવી શકી હતી અને દિલ્હીએ આ મેચ 19 રને જીતી લીધી હતી.