ધોની માટે ફરી IPLમાં લવાશે આ નિયમ, BCCI પણ તૈયાર! માહીએ આપ્યું હતું આવું રિએક્શન!
This Rule Will Be Brought Back In IPL For MS Dhoni: આગામી આઇપીએલ 2025ની સિઝન માટેના મેગા ઓક્શન માટે રિટેન્શનના નિયમો શું હશે, તે અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની વિનંતી પર એક જૂનો નિયમ ફરીથી લાગુ કરી શકે છે, જેથી ચેન્નાઈ સુપર કિંગ્સને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં જાળવી રાખવામાં મદદ થઇ શકે છે.
શું છે નિયમ?
હકીકતમાં બીસીસીઆઈ દ્વારા આઇપીએલમાં પહેલા એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જે ખેલાડીએ પાંચ વર્ષ કરતા વધારે સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હોય તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ઓક્શનમાં સામેલ કરવામાં આવતો હતો. આ નિયમ આઇપીએલ ની શરૂઆતથી લઈને વર્ષ 2021 સુધી લાગુ હતો. ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવ્યો હતો. હવે એક અહેવાલ અનુસાર, 31 જુલાઈના રોજ બીસીસીઆઈએ આઇપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ નિયમને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી હતી. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સની આ વિનંતીને લઈને અન્ય ફ્રેન્ચાઇઝી તરફથી બહુ સમર્થન મળ્યું નથી, પરંતુ બીસીસીઆઈ આ નિયમને પાછો લાવવાના પક્ષમાં છે. જો નિયમ ફરીથી લાગુ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ અનકેપ્ડ ખેલાડી તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની ટીમમાં જાળવી શકે છે.
બોલ અત્યારે અમારા કોર્ટમાં નથી
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટ્ન એમએસ ધોનીએ હાલમાં જ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં જણાવ્યા હતું કે, 'મારી આઇપીએલ કારકિર્દીનું ભવિષ્ય આગામી સીઝનમાં ઓક્શન માટેના રિટેન્સન નિયમ પર આધાર રાખશે. આ માટે હજુ ઘણો સમય છે. તેઓ ખેલાડીઓને રિટેન કરવા અંગે શું નિર્ણય લે છે. બોલ અત્યારે અમારા કોર્ટમાં નથી. તેથી એકવાર નિયમોની ઔપચારિક જાહેરાત થઈ જાય પછી હું નિર્ણય લઈશ, પરંતુ તે ટીમના શ્રેષ્ઠ હિતમાં હોવું જોઈએ.'
આ પણ વાંચો: રેસલર વિનેશ ફોગાટ વતન પરત, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બજરંગ-સાક્ષીને મળી ઈમોશનલ થઇ
ધોનીની આઇપીએલ કારકિર્દી
ધોની આઇપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેની કેપ્ટનશીપમાં હેઠળ ટીમે 5 વખત ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેણે આઇપીએલ 2024ની શરૂઆત પહેલા ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું હતું અને ટીમની જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. અત્યાર સુધીમાં ધોનીએ આઈપીએલમાં કુલ 264 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 137ની સ્ટ્રાઈક રેટ સાથે કુલ 5243 રન બનાવ્યા છે. તેમજ 95 વખત નોટઆઉટ રહ્યો છે. આઇપીએલમાં ધોનીના નામે 24 અડધી સદી છે. જોકે તે આઇપીએલમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.