મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે આ ખેલાડી! ડોમેસ્ટિક ક્રિકેટમાં છે મોટું નામ, પવારને કરશે રિપ્લેસ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ મહિને બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે
રમેશ પોવારને મુખ્ય કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા
Image:Twitter |
દિગ્ગજ ક્રિકેટર અમોલ મજૂમદાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે. ગઈકાલે ક્રિકેટ સલાહકાર સમિતિએ મુંબઈમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી. મળેલા અહેવાલો અનુસાર મજૂમદારે આ મુલાકાતમાં CAC સભ્યો અશોક મલ્હોત્રા, જતિન પ્રાંજપે અને સુલક્ષણા નાઈકને તેમની 90 મિનિટના પ્રેઝેન્ટેશનથી પ્રભાવિત કર્યા છે. મજૂમદાર ઉપરાંત જે લોકોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો તેમાં ડરહામના કોચ જોન લુઈસ અને તુષાર અરોઠેનો સમાવેશ થાય છે.
વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
મજૂમદારના ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન
અરોઠે અગાઉ મહિલા ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ મહિને બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે. BCCI તે પહેલા ટીમ ઈન્ડિયાના કોચની નિમણૂક કરવા માંગે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રોમેશ પોવારને મુખ્ય કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી આ પોસ્ટ ખાલી છે. મજૂમદારના ડોમેસ્ટિક ક્રિકેટમાં 14 હજારથી વધુ રન છે.
મજૂમદાર મુંબઈ રણજી ટીમના મુખ્ય કોચ રહી ચુક્યા છે
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "CAC અમોલના પ્રેઝેન્ટેશનથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તે મહિલા ટીમ માટેની તેમની યોજનાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ હતા. અન્ય પ્રેઝેન્ટેશન પણ સારા હતા, પરંતુ મજૂમદાર શ્રેષ્ઠ હતા. આ પદ માટે તેમની ભલામણ કરવામાં આવશે." મજૂમદાર મુંબઈ રણજી ટીમના મુખ્ય કોચ પણ રહી ચુક્યા છે અને IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમ સાથે પણ કામ કર્યું છે. તે એકમાત્ર વ્યક્તિ હતો જે ઇન્ટરવ્યુ દરમિયાન વ્યક્તિગત રીતે CAC સમક્ષ હાજર થયો હતો. જો મજૂમદારને મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવે છે, તો તેમનું પ્રથમ એસાઇન્મેન્ટ 9 જુલાઈથી શરૂ થતા બાંગ્લાદેશ પ્રવાસ હશે. ભારતીય મહિલા ટીમ મીરપુરમાં ત્રણ T20I અને ODI રમશે. ટીમ ઈન્ડિયા છેલ્લા પાંચ વર્ષમાં સારી સ્થિતિમાં હોવા છતાં કેટલીક મહત્વપૂર્ણ મેચ હારી છે. વળી, હજુ સુધી કોઈએ વર્લ્ડ કપ જીત્યો નથી.
મજૂમદારનો કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે હોઈ શકે છે
મજૂમદારને બે વર્ષનો કોન્ટ્રાક્ટ મળે તેવી શક્યતા છે. આ દરમિયાન તે આવતા વર્ષે બાંગ્લાદેશમાં યોજાનાર વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. આગામી વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ રમાશે. આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીતની સ્થિતિમાં હોવા છતાં હારી ગઈ હતી. નોક-આઉટ મેચો સકારાત્મક રીતે સમાપ્ત કરવામાં ભારતીય ટીમની અસમર્થતાને ધ્યાનમાં રાખીને, નવા મુખ્ય કોચનું કાર્ય ખેલાડીઓની શારીરિક તંદુરસ્તી સુધારવા ઉપરાંત માનસિક દૃઢતા પર કામ કરવાનું રહેશે.
2025માં ભારતમાં વનડે વર્લ્ડ કપ યોજાશે
આવતા વર્ષે બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ ઉપરાંત, ભારત સપ્ટેમ્બર 2025માં મહિલા વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. મજૂમદારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 171 મેચમાં 48.13ની એવરેજથી 11,167 રન બનાવ્યા હતા. તેણે લિસ્ટ-Aમાં 113 મેચમાં 38.20ની સરેરાશથી 3286 રન બનાવ્યા હતા. તેણે 14 T20 મેચમાં 174 રન બનાવ્યા હતા. જો કે આટલા રન બનાવવા છતાં તે ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેણે ફર્સ્ટ ક્લાસમાં 30 સદી, 60 ફિફ્ટી, લિસ્ટ-Aમાં ત્રણ સદી અને 26 ફિફ્ટી, T20માં એક ફિફ્ટી પણ ફટકારી છે.