નિશા દહિયાની ઈજા માટે આ ખેલાડી જવાબદાર, કોચ વિરેન્દ્રએ લગાવ્યો મોટો આરોપ
Image: Facebook
Nisha Dahiya Injury: ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની મોટી દાવેદાર નિશા દહિયા ઈજાગ્રસ્ત હોવાના કારણે ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ. જોકે તેની પાસે હજુ પણ રેપેચેઝ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. ક્વાર્ટર ફાઈનલમાં નિશા ઉત્તર કોરિયાની સોલ ગમ પાક વિરુદ્ધ 8-2 થી આગળ ચાલી રહી હતી. આ દરમિયાન તેને ઈજા પહોંચી પછી તે સતત દુખાવાથી પીડાતી રહી. મેડિકલ હેલ્પ બાદ પણ તેને રાહત મળી નહીં, પરિણામે તે અંતિમ સેકન્ડમાં મેચ હારી ગઈ. નિશાની ઈજા પર ભારતીય કોચે મોટો આરોપ લગાવ્યો છે.
ભારતના રાષ્ટ્રીય કોચ વીરેન્દ્ર દહિયાએ કહ્યું, 'આ સો ટકા જાણીજોઈને કરવામાં આવ્યું હતું, તેણે જાણીજોઈને નિશાને ઈજા પહોંચાડી. અમે જોયુ હતું, કોરિયન ખૂણેથી એક આદેશ આવ્યો હતો જે બાદ તેણે કાંડાના સાંધા પાસે હુમલો કર્યો. તેણે નિશા પાસેથી મેડલ છીનવી લીધો.' કોચે કહ્યું, 'જે રીતે નિશાએ શરૂઆત કરી હતી, મેડલ તેના ગળામાં હતો અને તેને છીનવી લેવાયો. નિશા રક્ષણ અને જવાબી હુમલા બંનેમાં શાનદાર હતી તેણે એશિયાઈ ક્વોલિફાયરમાં તે પહેલવાનને હરાવી હતી.'
પહેલા રાઉન્ડમાં જ નિશા દહિયા ઉત્તર કોરિયાની સોલ ગમ વિરુદ્ધ આગળ હતી. બીજા રાઉન્ડમાં જ્યારે તે ઉતરી તો અંક લઈને વધારાને વધુ મોટો કરી દીધો. આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગઈ અને હાથ પકડીને દુખાવાથી પીડાવા લાગી. જ્યારે તેને ઈજા પહોંચી તો 8-2 થી આગળ ચાલી રહી હતી. ઈજાગ્રસ્ત થવા દરમિયાન તેને વારંવાર મેડિકલ હેલ્પ કરવામાં આવી અને પછી તે મેચમાં ઉતરી. જીવલેણ દુખાવો થયા બાદ પણ તેણે મેદાન છોડ્યું નહીં.
કોરિયાની ખેલાડી જો ફાઈનલમાં પહોંચે છે તો નિશા મેડલની રેસમાં વાપસી કરી શકે છે પરંતુ જો તેને રેપેચેઝ મળે છે તો પણ ઈજાની મર્યાદા નક્કી કરશે કે તે મેટ લઈ શકશે કે નહીં.