World Cup 2023 Final in Ahemdabad: ભારતીય ટીમ ફાઈનલ જીતવા માટે પ્રબળ દાવેદાર, જાણો આ 8 કારણો
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સતત 10 જીતી છે
વર્લ્ડ કપ 2023માં ભારતીય ખેલાડીઓનો દબદબો છે
World Cup 2023 Final: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સતત 10 વિજયની કૂચને આગળ ધપાવવાની અને વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આશરે 1.32 લાખ પ્રેક્ષકોની હાજરીમાં અને દુનિયાભરના કરોડો ચાહકો આજે વિશ્વકપ ફાઈનલ મેચની સાક્ષી બનશે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. એવું નથી કે ભારત યજમાન દેશ છે અને કંડીશન ભારતીય પ્લેયર્સને સૂટ કરે છે, આ કારણે આમ કહેવામાં આવી રહ્યું છે પણ આ દાવેદારીનું કારણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન છે.
અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી
અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય, દરેક જગ્યાએ ખેલાડીઓએ 100 ટકા યોગદાન આપ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા એકમાત્ર એવી ટીમ છે જે આ વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી.
શા માટે ભારતીય ટીમ મેચ ફાઈનલ જીતવા પ્રબળ દાવેદાર ?
1. વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનારી ટીમની યાદીમાં ભારત ટોપ પર છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2810 રન બનાવ્યા છે. ભારત પછી બીજી બેસ્ટ ટીમ સાઉથ આફ્રિકાની છે જેને વર્લ્ડકપ 2023માં 2773 રન બનાવ્યા છે. ભારતના ત્રણ બેટ્સમેન વિરાટ કોહલી (711), રોહિત શર્મા (550) અને શ્રેયસ અય્યર (526)એ 500થી વધુ રન બનાવ્યા છે.
2. ભારતની બેટિંગ એવરેજ આ વર્લ્ડકપમાં 58.54ની રહી છે જે ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ છે. ભારત સિવાય કોઇ ટીમ આ યાદીમાં 50નો આંકડો પાર કરી શકી નથી. આ યાદીમાં બીજી બેસ્ટ ટીમ ન્યૂઝીલેન્ડની છે, જેની વર્લ્ડકપ 2023માં બેટિંગ એવરેજ 41.09ની રહી છે.
3. ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડકપ 2023માં 104.65ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી છે જેમાં કેપ્ટન રોહિત શર્માનું સૌથી મોટુ અને મહત્ત્વનું યોગદાન છે. ન્યૂઝીલેન્ડ આ યાદીમાં 103.23ના સ્ટ્રાઇક રેટ સાથે બીજા સ્થાન પર છે.
4. ભારતીય બેટ્સમેનોએ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ 23 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે જેમાં 7 સદી સામેલ છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 3 તો શ્રેયસ અય્યરે 2 સદી ફટકારી છે. ભારત પછી આ યાદીમાં ન્યૂઝીલેન્ડ જ છે જેમના બેટ્સમેન 20 વખત 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યાં છે.
5. બેટ્સમેનો સિવાય બોલરોએ પણ પોતાના પ્રદર્શનથી ભારતને વર્લ્ડકપ જીતવાનો પ્રબળ દાવેદાર બનાવ્યો છે. ભારતે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ 95 વિકેટ ઝડપી છે, બીજી બેસ્ટ ટીમ આ યાદીમાં સાઉથ આફ્રિકાની છે જેના નામે 88 વિકેટ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 23 વિકેટ સાથે ગોલ્ડન બોલની રેસમાં ટોપ પર છે.
6. ભારતની બોલિંગ એવરેજ વર્લ્ડકપ 2023માં 20.90ની રહી છે જે ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ છે. અહીં પણ બીજા નંબર પર સાઉથ આફ્રિકા 26.40ની એવરેજ સાથે બીજા સ્થાન પર છે. વર્લ્ડકપ 2023માં બેસ્ટ બોલિંગ એવરેજ મોહમ્મદ શમી (9.13)ની છે.
7. બોલિંગ એવરેજ સિવાય ભારતનો સ્ટ્રાઇક રેટ પણ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ 26.5ના સ્ટ્રાઇક રેટથી વિકેટ ઝડપી છે. સાઉથ આફ્રિકા આ યાદીમાં 29.1ના સ્ટ્રાઇક રેટ સાથે બીજા નંબર પર છે. વર્લ્ડકપમાં મોહમ્મદ શમી (10.91)ના બેસ્ટ સ્ટ્રાઇક રેટ ધરાવતી બોલરોની યાદીમાં ટોપ પર છે.
8. બોલિંગ ઇકોનોમીમાં પણ ભારત નંબર-1 પર છે. ભારતે વર્લ્ડકપ 2023માં માત્ર 4.72ની એવરેજથી રન બનાવ્યા છે. આ યાદીમાં અફઘાનિસ્તાન 5.35ની એવરેજ સાથે બીજા સ્થાન પર છે.