વર્લ્ડ કપની આ પાંચ મેચ બની શકે છે રોમાંચક, ભારત-પાક સહિત લિસ્ટમાં આ મેચો પણ સામેલ
વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
વર્લ્ડ કપ 2019ની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું
ICC દ્વારા ગઈકાલે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, ICCએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. ICCએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સાથે અન્ય કઈ મેચો રોમાંચક બની શકે છે. ICCએ એવી પાંચ મેચ પસંદ કરી હતી, જેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી શકે છે.
15 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરના રોજ ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ODI વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2019ની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. ભારતે આ મેચ ડકવર્થ લુઈસ નિયમથી જીતી હતી. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પણ ઘણી રોમાંચક બની શકે છે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવ્યું હતું. આ વખતે પણ બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી શકે છે.
વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે 7 ઓક્ટોબરે મેચ રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ઘણી રોમાંચક મેચો રમાઈ છે. હવે ફરી એકવાર આ બંને ટીમો મેદાનમાં સામસામે આવશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ કાંગારૂ ટીમને પડકાર આપવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 13 ઓક્ટોબરે મેચ રમાનાર છે. આ મેચ પણ રોમાંચક બની શકે છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ 2019માં માત્ર ત્રણ મેચ જીત્યું હતું. પરંતુ આ વખતે તે કમબેક કરી શકે છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે 7 ઓક્ટોબરે મેચ રમાશે. ધર્મશાલામાં રમાનારી આ મેચ પર પણ સૌની નજર રહેશે.
- ભારત vs પાકિસ્તાન, અમદાવાદ - 15 ઓક્ટોબર
- ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ, અમદાવાદ - 5 ઓક્ટોબર
- ભારત vs ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ - 8 ઓક્ટોબર
- ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, લખનઉ - 13 ઓક્ટોબર
- બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન, ધર્મશાલા - 7 ઓક્ટોબર