IND vs ENG: ધર્મશાળામાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત પાછળના પાંચ કારણ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 09 માર્ચ 2024 શનિવાર
ધર્મશાળામાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ મેચને પોતાના નામે કરી. પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતે ઈનિંગ અને 64 રનથી જીત મેળવી. ધર્મશાળામાં રમાયેલી આ ટેસ્ટ મેચ લગભગ 3 દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ. આ સાથે જ ભારતીય ટીમે 4-1 થી સિરીઝ પર કબ્જો જમાવ્યો.
કુલદીપ યાદવની જોરદાર બોલિંગ
ભારતીય ટીમના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે પાંચમી ટેસ્ટ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું. પાંચમી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કુલદીપ યાદવે જોરદાર પ્રદર્શન કર્યુ. કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ ઝડપીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધુ. બીજી ઈનિંગમાં તેમણે બે વિકેટ મેળવી. કુલદીપ યાદવની જોરદાર બોલિંગ માટે તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
અશ્વિને કરી કમાલ
પોતાની 100મી ટેસ્ટ મેચ રમનાર રવિચંદ્રન અશ્વિને પણ કમાલનું પ્રદર્શન કર્યુ. અશ્વિને પોતાની પહેલી ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી. ભારતની આ જીતમાં રવિચંદ્રન અશ્વિનની પણ મહત્વની ભૂમિકા રહી. અશ્વિને પોતાની બોલિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલ્યા.
રોહિત-ગિલે સદી ફટકારી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને યુવાન બેટ્સમેન શુભમન ગિલે પહેલી ઈનિંગમાં ધમાકેદાર સદી ફટકારી. આ બંને બેટ્સમેનએ જોરદાર અંદાજમાં બેટિંગ કરી. રોહિત શર્માએ પોતાના ટેસ્ટ કરિયરની 12મી તો શુભમન ગિલે ચોથી સદી ફટકારી. ભારતની જીતમાં બંને બેટ્સમેનોનું મોટુ યોગદાન રહ્યુ.
યુવાન ખેલાડીઓએ ઈમ્પ્રેસ કર્યા
ભારતીય ટીમના યુવાન બેટ્સમેન દેવદત્ત પડિક્કલે અડધી સદી ફટકારી. આ સિવાય ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ તેમણે બે કમાલના કેચ પણ પકડ્યા. કોઈ પણ ખેલાડી માટે પોતાની પહેલી ટેસ્ટમાં આ પ્રકારનું પ્રદર્શન કરવુ સરળ હોતુ નથી. આ સિવાય સરફરાજ ખાને પણ બેટથી શાનદાર પ્રદર્શન કરતા અડધી સદીની ઈનિંગ રમી.
શાનદાર કેપ્ટનશિપ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દમદાર કેપ્ટનશિપ કરતા ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યુ. રોહિત શર્માએ યોગ્ય સમય પર યોગ્ય બોલર્સની પસંદગી કરી. ભારતીય ખેલાડીઓએ પણ પોતાના કેપ્ટનના વિશ્વાસને યોગ્ય સાબિત કર્યો.