VIDEO: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને શું થયું? સરખું ચાલી પણ નથી શકતો, વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Vinod Kambli Shocking Video: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક સમયે જે ખેલાડીને સચિન તેંડુલકર કરતાં પણ શ્રેષ્ઠ ક્રિકેટર માનવામાં આવતો હતો. જે મેદાન પર રન બનાવતા ક્યારેય થાકતો ન હતો તે હવે ખરાબ તબિયતને કારણે બરાબર ચાલી પણ શકતો નથી.
યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિનોદ કાંબલી થોડીક સેકન્ડ માટે એક બાઇક પાસે ઊભા રહે છે. પછી અચાનક તે ડગમગવા લાગે છે. તે જોઈને બાજુમાં ઉભેલી વ્યક્તિ તેને આગળ ચાલવા માટે સપોર્ટ આપે છે. બીજાં કેટલાક લોકો પણ મદદ માટે આગળ આવે છે. આ પછી બે વ્યક્તિઓ વિનોદ કાંબલીને ટેકો આપી તેને જ્યાં જવાનું હોય છે ત્યાં લઈ જાય છે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકઃ નીરજ ચોપરા જેવલિન થ્રોની ફાઇનલમાં! પહેલા જ ઘામાં કર્યું ક્વોલિફાય
કાંબલીના વીડિયો પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે વિનોદ કાંબલી દારૂના નશામાં છે અને નશાના કારણે તે ચાલી નથી શકતો. તો વળી કોઈએ તે બીમાર હોવાનો હવાલો આપ્યો હતો. હકીકતમાં વિનોદ કાંબલી છેલ્લા કેટલાક વર્ષોથી અનેક રોગોથી પીડાઈ રહ્યો છે. થોડાં વર્ષો પહેલા તેને હાર્ટએટેક આવ્યો હતો. મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે તેને હૉસ્પિટલ લઈ જઈ તેનો જીવ બચાવ્યો હતો. કાંબલીની આર્થિક સ્થિતિ બહુ સારી નથી.
કાંબલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે 104 વનડે અને 17 ટેસ્ટ મેચ રમી છે. વનડેમાં તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. તેને કુલ 2477 રન બનાવ્યા છે. જયારે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદીની મદદથી 1084 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે.