IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથી વધુ આ ટીમે ફટકાર્યા
IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં છગ્ગાનો વરસાદ જોવા મળી રહ્યો છે. મંગળવારે ચેન્નઈ-લખનઉ વચ્ચે રમાયેલી મેચ બાદ કુલ 39 મુકાબલામાં 686 છગ્ગા જોવા મળ્યા છે. આમ, પ્રત્યેક મેચમાં સરેરાશ 17.58 છગ્ગા નોંધાયા છે.
આ સરેરાશ બરકરાર રહી તો સિઝનના અંત સુધીમાં 1250થી વધુ સિક્સ જોવા મળે તેવી પૂરી સંભાવના છે. જો તેમ થશે તો તે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સનો નવો રેકોર્ડ હશે. આ અગાઉ 2023ની સિઝનમાં 1124 સિક્સ જોવા મળી હતી.
સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોપ ખેલાડી
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્રિસ ગેઇલ મોખરે છે. તેણે 141 ઇનિંગ્સમાં 357 સિક્સ ફટકારી છે. સૌથી વધુ સિક્સમાં રોહિત શર્મા 275 સાથે બીજા, એબી ડી વિલિયર્સ 251 સાથે ત્રીજા, વિરાટ કોહલી 250 સાથે ચોથા અને મહેન્દ્રસિંહ ધોની 247 સાથે પાંચમાં સ્થાને છે. હવે વર્તમાન સિઝન પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે 7 મેચમાં સૌથી વધુ 99 સિક્સ ફટકારેલી છે.
આમ, પ્રત્યેક ઈનિંગ્સમાં તેમની સરેરાશ 13 સિક્સ હોય છે. હૈદરાબાદ માટે સૌથી વધુ સિક્સમાં ક્લાસેન 26 સાથે મોખરે, અભિષેક શર્મા 24 સાથે બીજા અને ટ્રેવિસ હેડ 18 સાથે ત્રીજા સ્થાને છે.
બે વખતની ફાઈનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ ટીમ આ વખતે માત્ર 29 સિક્સ ફટકારી શકી છે. બેટસમેનમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્લાસેન મોખરે, અભિષેક શર્મા બીજા, નિકોલસ પૂરણ 22 ત્રીજા, સુનીલ નારાયણ- 20 સિક્સ સાથે ચોથા સ્થાને છે.