સચિન તેંડુલકરના સુરક્ષાકર્મીએ કરી આત્મહત્યા, મધરાતે માથામાં ગોળી મારીને જીવન ટૂંકાવ્યું

Updated: May 15th, 2024


Google NewsGoogle News
સચિન તેંડુલકરના સુરક્ષાકર્મીએ કરી આત્મહત્યા, મધરાતે માથામાં ગોળી મારીને જીવન ટૂંકાવ્યું 1 - image

Image: Facebook

Sachin Tendulkar Security Guard Suicide : ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના સુરક્ષાકર્મીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. સચિન તેંડુલકરના બોડીગાર્ડે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. 37 વર્ષીય સુરક્ષાકર્મીએ પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. જામનેર શહેરના જલગાંવ રોડ પર ગણપતિ નગરમાં રહેતા સુરક્ષાકર્મીનું નામ પ્રકાશ ગોવિંદા કાપડે છે, જેણે પોતાના ઘરે અડધી રાત્રે માથામાં ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 

37 વર્ષીય પ્રકાશ કાપડેને એસઆરપીએફમાં ભરતી કરવામાં આવ્યો હતો. પોસ્ટિંગ બાદ તે મુંબઈમાં સચિન તેંડુલકરના બોડીગાર્ડ તરીકે ફરજ પર હતો. કાપડે આઠ દિવસ માટે મુંબઈથી જામનેરના ગણપતિ નગર સ્થિત પોતાના ઘરે આવ્યો હતો. મંગળવારે રાત્રે લગભગ 1 વાગે પ્રકાશ કાપડેએ પોતાના ઘરે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ સમયે ઘરમાં તમામ લોકો સૂઈ રહ્યાં હતાં. ગોળીઓનો અવાજ સાંભળીને જ્યારે લોકો તેના રૂમ તરફ દોડ્યા તો પ્રકાશ ખૂનથી લથપથ પડેલો હતો. 

ઘટનાની જાણકારી મળતા જામનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી. તે બાદ પ્રકાશ કાપડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનેર શહેરના હોસ્પિટલ મોકલી દેવાયો. જોકે, આત્મહત્યાનું કારણ હજુ સુધી ખબર પડી શકી નથી. પોલીસે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને તે બાદ કારણ સ્પષ્ટ થશે. તેના પરિવારમાં માતા, પિતા, પત્ની અને 2 બાળકો છે. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.


Google NewsGoogle News